મેરઠના બહસુમા વિસ્તારના અકબરપુર સાદાત ગામમાં બનેલા ચર્ચિત અમિત કશ્યપ હત્યા કેસમાં અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જયવીર સિંહ નાગરની અદાલતે મૃતકની પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપને મૃત્યુદંડની સજા ફટકારી છે. આરોપીઓએ અમિતની હત્યા કરી તેને સર્પદંશથી થયેલું મોત દર્શાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
મૃતદેહ નીચે એક જીવતો ઘોડા પછાડ સાપ
આ ચકચારી ઘટના 13 એપ્રિલ, 2025ના રોજ સામે આવી હતી. તે સવારે અમિત કશ્યપ ઉર્ફે મિક્કી કશ્યપનો મૃતદેહ પોતાના બિસ્તર પરથી મળ્યો હતો. મૃતદેહ નીચે એક જીવતો ઘોડા પછાડ સાપ દબાયેલો હતો અને અમિતના શરીર પર સાપ કરડવાના 10 નિશાન મળી આવ્યા હતા.
અમિતનું મોત સાપ કરડવાથી થયું
પત્ની રવિતાએ શરૂઆતમાં પરિવારજનોને જણાવ્યું હતું કે અમિતનું મોત સાપ કરડવાથી થયું છે. પરિવારજનોએ શરૂઆતમાં આ વાત માની, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સમગ્ર ષડયંત્ર ખુલ્લું પડી ગયું હતું.
તબીબી અહેવાલમાં ઘટસ્ફોટ
તબીબી અહેવાલમાં સામે આવ્યું કે અમિતનું મોત ગળું, નાક અને મોં દબાવવાને કારણે દમ ઘૂંટાવાથી થયું હતું. ગળું દબાવવાના કારણે તેની હાયોઇડ હાડકી અને થાઇરોઇડ કાર્ટિલેજ પણ તૂટી ગયાં હતાં. ઘટનાના 24 કલાકમાં રવિતા અને અમરદીપ વચ્ચે ફોન પર 51 વખત વાતચીત થઈ હતી.
રવિતા અને અમરદીપ વચ્ચે પ્રેમ સંબંધ
પોલીસ તપાસ મુજબ અમિત પોતાના પડોશી મિત્ર અમરદીપ સાથે ટાઇલ્સ અને પથ્થર બેસાડવાનું કામ કરતો હતો. રવિતા અને અમરદીપ વચ્ચે પ્રેમ સંબંધ હતો અને થોડા દિવસ પહેલાં સ્વજનોએ બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. અમિતને જાણ થતાં તેણે વિરોધ કર્યો હતો, જેથી બંનેએ તેને સંબંધોમાં બાધારૂપ ગણી હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.
મદારી કૃષ્ણ પાસેથી રૂ. 1,000માં સાપ ખરીદ્યો
12 એપ્રિલ, 2025ની રાત્રે અમિત ઊંઘતો હતો ત્યારે તેના બંને હાથ પકડીને ગળું ઘોંટી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ હત્યાને સર્પદંશમાં ખપાવવા અમરદીપે માતાના જાગરણનું બહાનું કાઢીને મદારી કૃષ્ણ પાસેથી રૂ. 1,000માં સાપ ખરીદ્યો હતો, જે તેના નાના પ્રીતમનાથ પાસેથી લવાયો હતો. મૃતકના ભાઈ મોનુ કશ્યપે 16 એપ્રિલ, 2025ના રોજ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે 26 જૂન, 2025ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. કેસમાં મોનુ, માતા મુનેશ દેવી, કૃષ્ણ, પ્રીતમનાથ, પંકજ ગૌતમ, ડૉ. કપિલ ગર્ગ અને ઇન્દુ વર્મા સહિત 12 સાક્ષીઓ તપાસાયા હતા. અદાલતે બંનેને હત્યા તથા પુરાવા નાશ કરવા બદલ દોષિત ઠેરવી મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
આ પણ વાંચો : Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?