કેતન હત્યા કેસમાં પુણે પોલીસે 19 સપ્ટેમ્બરે વડગાંવ માવળ સેશન્સ કોર્ટમાં 5,053 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. 90 દિવસની સમયમર્યાદા પૂર્ણ થાય તેના એક દિવસ પહેલાં એટલે કે 89મા દિવસે દાખલ થયેલી ચાર્જશીટમાં પોલીસે હત્યાની કથિત સમગ્ર સાજિશની વિગતો રજૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ કેતનને લોહગઢની પહાડી પરથી ધક્કો મારવાની ઘટનામાં સિયા અને ચેતન બંનેની ભૂમિકા હતી.

સગાઈ પહેલાં જ સિયાએ કર્યા હતા ચેતન સાથે લગ્ન

પોલીસ ચાર્જશીટ મુજબ સિયા અને ચેતન વચ્ચે પ્રેમસંબંધ હતો. બંનેએ ડિસેમ્બર 2025માં રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરમાં લગ્ન કર્યા હોવાનો પોલીસનો દાવો છે. આ લગ્નની જાણ માત્ર સિયા, ચેતન અને તેના મિત્ર રિતેશ હાંગેને હતી.

સિયાના પરિવાર દ્વારા કેતન સાથે સગપણ 

ત્યારબાદ જાન્યુઆરી 2026માં સિયાના પરિવાર દ્વારા કેતન સાથે તેનું સગપણ નક્કી કરવામાં આવ્યું અને ફેબ્રુઆરીમાં બંનેની સગાઈ થઈ. એટલે કે પોલીસના દાવા પ્રમાણે, સિયા પહેલેથી જ ચેતન સાથે લગ્ન કરી ચૂકી હતી અને ત્યારબાદ કેતન સાથે તેની સગાઈ થઈ હતી.

નવેમ્બરમાં લગ્નની તારીખ નક્કી થતાં કથિત પ્લાન

ચાર્જશીટ મુજબ સિયા અને ચેતન શરૂઆતમાં કેતન સાથે થનારા લગ્નને ટાળવા માંગતા હતા. પરંતુ પરિવારોએ નવેમ્બરમાં લગ્નની તારીખ નક્કી કરી અને તૈયારીઓ શરૂ કરી દીધી. ત્યારબાદ બંનેએ કેતનથી કાયમી રીતે છૂટકારો મેળવવાનો કથિત પ્લાન બનાવ્યો.

સોપારી આપવાનો વિચાર થયો હતો

પોલીસના જણાવ્યા મુજબ આ કથિત સાજિશમાં ચેતનનો મિત્ર રિતેશ પણ જોડાયો હતો. શરૂઆતમાં બહારના વ્યક્તિને સોપારી આપવાનો વિચાર થયો હતો, પરંતુ બાદમાં તે વિચાર પડતો મૂકીને સિયા અને ચેતને પોતે જ હત્યા કરવાનો નિર્ણય કર્યો હોવાનો પોલીસનો દાવો છે.

ફિલ્મો અને ક્રાઈમ કેસની કથિત સ્ટડી

ચાર્જશીટ મુજબ ત્રણેયે ક્રાઈમ થ્રિલર ફિલ્મો, શો અને પોડકાસ્ટ જોયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમણે અગાઉના હત્યા કેસોની માહિતી પણ શોધી હતી. ત્યારબાદ પહાડી પરથી ધક્કો મારી હત્યા કરવાનો કથિત પ્લાન બનાવવામાં આવ્યો.

અન્ય હત્યા કેસની પદ્ધતિથી પ્રેરણા લીધી હતી

પોલીસે એવો પણ દાવો કર્યો છે કે દેશમાં ચર્ચામાં રહેલા એક અન્ય હત્યા કેસની પદ્ધતિથી પ્રેરાઈને તેમણે લોહગઢને સ્થળ તરીકે પસંદ કર્યું હતું.

લોહગઢની રેકી, 14 જૂને પણ પ્રયાસનો દાવો

પોલીસના જણાવ્યા મુજબ સિયા અને ચેતને લોહગઢ કિલ્લાની અગાઉથી રેકી કરી હતી. ઓછી અવરજવરવાળા સ્થળો શોધ્યા બાદ એક જગ્યા નક્કી કરવામાં આવી હતી. ચાર્જશીટમાં પોલીસનો દાવો છે કે 14 જૂને પણ સિયાએ કેતનને ત્યાંથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વચ્ચે વૃક્ષ આવી જતા કેતન બચી ગયો હતો.

બર્થડે સરપ્રાઈઝના બહાને લોહગઢ લઈ જવાયો?

18 જૂને કેતન લોહગઢ જાય તે માટે સિયાએ કથિત રીતે ફેક Instagram એકાઉન્ટ બનાવ્યું હોવાનો પોલીસનો દાવો છે. એક ઓળખીત યુવતીના નામ અને તસવીરનો ઉપયોગ કરીને કેતનને મેસેજ કરવામાં આવ્યો હતો કે સિયા તેના માટે લોહગઢમાં બર્થડે સરપ્રાઈઝ પાર્ટી રાખી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ કેતનના મોત બાદ આ ફેક એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ફોરેન્સિક તપાસની મદદથી પોલીસે તેને રિકવર કર્યું હતું.

પહાડના કિનારે પહોંચ્યા પછી શું થયું?

ચાર્જશીટ મુજબ 18 જૂનની સવારે સિયા અને કેતન સાથે લોહગઢ પહોંચ્યા હતા, જ્યારે ચેતન પાછળથી તેમનો પીછો કરી રહ્યો હતો. પોલીસનો દાવો છે કે અગાઉ કરેલી રેકી અને નક્કી કરેલા પ્લાન પ્રમાણે સિયા કેતનને પહાડીના કિનારે લઈ ગઈ. પોલીસના વર્ઝન પ્રમાણે સિયાએ કેતનને બંને હાથથી ધક્કો માર્યો અને ત્યારબાદ ચેતને પણ તેને પગથી ધક્કો માર્યો. ત્યારબાદ કેતન ખીણમાં પટકાયો હતો.

5,053 પાનાની ચાર્જશીટમાં શું પુરાવા?

પુણે પોલીસના જણાવ્યા મુજબ તેમની પાસે આ કેસમાં ગવાહોના નિવેદનો ઉપરાંત મોબાઈલ ડેટા, WhatsApp ચેટ, ફોટો-વિડિયો, CDR, CCTV અને અન્ય ડિજિટલ પુરાવા છે. જોકે આ તમામ પુરાવાની કાયદાકીય તપાસ અને તેની પુરાવાકીય કિંમત હવે કોર્ટમાં નક્કી થશે.

હવે કોર્ટ નક્કી કરશે આરોપ

ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે, પરંતુ આરોપ સાબિત થઈ ગયા હોવાનું માનવામાં આવતું નથી. હવે કોર્ટ ચાર્જશીટના આધારે આરોપ નક્કી કરશે. આરોપ નક્કી થયા બાદ ટ્રાયલ શરૂ થશે. કેસ સામાન્ય કોર્ટમાં ચાલશે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, તેનો નિર્ણય પણ આગળની કોર્ટ પ્રક્રિયામાં થશે.

સિયા, ચેતન અને રિતેશ હાલ જેલમાં 

સિયા, ચેતન અને રિતેશ હાલ જેલમાં છે. હવે 5,053 પાનાની ચાર્જશીટમાં પોલીસ દ્વારા રજૂ કરાયેલી કથિત હત્યાની કહાની કોર્ટમાં પુરાવાની કસોટી પર કેટલી ટકે છે, તેના પર સમગ્ર કેસનું ભવિષ્ય નિર્ભર રહેશે. 


આ પણ વાંચો  :  Vav-Tharad: ‘ગુજ્જુ લવ ગુરુ’ અકસ્માત કેસમાં FIR બાદ સસ્પેન્સ વધ્યું, સામે આવી અકસ્માતની નવી કડી