વાવ-થરાદના સુઈગામમાં હાલ વાતાવરણ અત્યંત ગમગીન છે. ગુજરાતના લાખો લોકોને પોતાના આગવા અંદાજ અને હાસ્યથી હસાવનાર સોશિયલ મીડિયા ક્રિએટર ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’ના અચાનક નિધનથી પરિવાર અને ચાહકો હજું પણ આઘાતમાં છે. ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક માર્ગ અકસ્માતમાં ચંદન રાઠોડનું નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર બાદ સુઈગામમાં સતત ચાહકો, કલાકારો, કન્ટેન્ટ ક્રિએટરો અને સામાજિક અગ્રણીઓ પહોંચી પરિવારને સાંત્વના આપી રહ્યા છે.

આજે પણ સુઈગામમાં શ્રદ્ધાંજલિનો પ્રવાહ

ચંદન રાઠોડના પરિવારને મળવા આજે પણ અનેક કલાકારો અને અગ્રણીઓ પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, સાહિત્યકાર બીજરાજદાન ગઢવી, બાબુ આહીર, દેવ પગલી અને હકાભા ગઢવી સહિતના આગેવાનોએ પરિવારની મુલાકાત લીધી હતી. સૌએ ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત રાખવા સાંત્વના પાઠવી હતી.

Gujju Love Guru Accident Case: FIR Filed, CCTV Reveals New Clue

‘બનાસકાંઠાનું રતન’ હવે નથી

ચંદન રાઠોડે સરહદી વિસ્તારના નાના ગામ સુઈગામથી પોતાની સફર શરૂ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી આગવી ઓળખ ઊભી કરી હતી. તેમની સ્થાનિક બોલી, રમૂજી સંવાદો અને સરળ રજૂઆતને ગુજરાતભરના લોકોનો પ્રેમ મળ્યો હતો. તેમના સાથી કલાકારો માટે ચંદન માત્ર કન્ટેન્ટ ક્રિએટર નહોતા, પરંતુ પરિવારના સભ્ય જેવા હતા.

મુશ્કેલીના સમયમાં તેઓ એકલા નહીં પડે

હકાભા ગઢવીએ ચંદન રાઠોડને બનાસકાંઠાનું રતન ગણાવી કહ્યું કે તેમણે પોતે દુઃખ સહન કરીને લોકોને હસાવવાનું કામ કર્યું. કલાકારોએ પરિવારને ખાતરી આપી કે મુશ્કેલીના સમયમાં તેઓ એકલા નહીં પડે.

‘કરોડો રૂપિયા નહીં, કરોડો લોકો પરિવાર તરીકે મૂકીને ગયા’

કલાકાર બાબુ આહીરે ચંદન રાઠોડને યાદ કરતાં ભાવુક થઈ જણાવ્યું કે ચંદનભાઈએ કરોડો રૂપિયા ભેગા કર્યા નથી, પરંતુ કરોડો લોકોને પોતાના પરિવાર જેવા બનાવીને ગયા છે. પરિવારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કલાકારો તેમની સાથે ઊભા રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.

કલાકારોએ પણ પરિવારજનોને મળીને દુઃખ વહેંચ્યું

દેવ પગલી અને અન્ય કલાકારોએ પણ પરિવારજનોને મળીને દુઃખ વહેંચ્યું હતું. ઘરમાં શોક વચ્ચે કલાકારોની મુલાકાતે પરિવારને થોડું સાંત્વન મળ્યું હતું.

Gujju Love Guru Accident Case: FIR Filed, CCTV Reveals New Clue

બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

ચંદન રાઠોડના નિધનથી સૌથી મોટો આઘાત તેમના પરિવારને લાગ્યો છે. વૃદ્ધ માતા-પિતાએ જુવાન દીકરો ગુમાવ્યો છે, જ્યારે તેમના બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ચંદનની અચાનક વિદાયથી પરિવારની આર્થિક અને ભાવનાત્મક સ્થિતિ સામે પણ મોટો પડકાર ઊભો થયો છે.

પરિવારને યથાશક્તિ મદદ કરવાની અપીલ

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક કન્ટેન્ટ ક્રિએટરો અને કલાકારો પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી ચંદનના પરિવારને યથાશક્તિ મદદ કરવાની અપીલ કરી રહ્યા છે.

Gujju Love Guru Accident Case: FIR Filed, CCTV Reveals New Clue

ખજૂરભાઈની મોટી પહેલ, પરિવાર માટે 2 કરોડનો ટાર્ગેટ

ચંદન રાઠોડના બેસણામાં પહોંચેલા લોકસેવક અને કન્ટેન્ટ ક્રિએટર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ પરિવારને 1.5 લાખની આર્થિક સહાય આપી હતી. સાથે જ પરિવાર માટે નવું ઘર બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે અન્ય કલાકારો, ઈન્ફ્લુએન્સરો અને સમાજના લોકોને પણ મદદ માટે આગળ આવવાની અપીલ કરી હતી. ખજૂરભાઈએ પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખીને 2 કરોડનું ફંડ એકત્ર કરવાનો લક્ષ્યાંક જાહેર કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ખાસ કરીને બે બાળકોના ભવિષ્ય માટે લાંબા ગાળાની આર્થિક મદદ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજકીય અગ્રણીઓએ પણ પાઠવી હતી શ્રદ્ધાંજલિ

ચંદન રાઠોડના બેસણામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને રાજકીય નેતાઓ પણ પહોંચ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ ગેનીબેન ઠાકોર તથા અન્ય આગેવાનોએ પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. ચંદનના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી હોવાનું અહેવાલોમાં નોંધાયું છે.

આવા માણસો આજના સમયમાં મળવા ખૂબ જ મુશ્કેલ 

CID સ્ટાર અભય શુક્લા પણ આજે ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જ્યા તેમણે જણાવ્યું કે, હું તેમને એક જ વાર મળ્યો છું, પરંતુ એવું ના લાગ્યું કે અમે પહેલી વખત મળ્યા છીએ. ચંદન સેવાભાવી માણસ હતુ. કોરોના કાળમાં અનેક સારા કામ કર્યા હતા. આજે આ લોકોની ભીડ છે, તે ચંદનભાઈનો પ્રેમ છે. આવા માણસો આજના સમયમાં મળવા ખૂબ જ મુશ્કેલ છે. ચંદનભાઈ તમે લોકોના દિલ જીતીને ગયા છો.

અકસ્માતને લઈને તપાસ આગળ વધી

ચંદન રાઠોડના અકસ્માતને લઈને શરૂઆતમાં અલગ-અલગ વિગતો સામે આવી હતી. કેટલાક અહેવાલોમાં બાઈક સ્લીપ થવાની વાત હતી, જ્યારે બાદમાં બે બાઈક વચ્ચે અથડામણની માહિતી સામે આવી. ઉપલબ્ધ અહેવાલ મુજબ પરિવારની ફરિયાદ બાદ ભાભર પોલીસે સામેથી આવતી બાઈકના ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ સંજોગો અંગે અંતિમ હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Gujju Love Guru Accident Case: FIR Filed, CCTV Reveals New Clue

અકસ્માત અંગે પોલીસે શું કહ્યું

ભાભર પોલીસ સ્ટેશનના PIના જણાવ્યા મુજબ ચંદન રાઠોડના મોત પાછળ માર્ગ અકસ્માત કારણભૂત છે. પોલીસના પ્રાથમિક તારણ પ્રમાણે ભાભર તરફથી સુઈગામ તરફ જઈ રહેલા ચંદન રાઠોડની બાઈક સામેથી આવતી બીજી બાઈક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ચંદન રાઠોડને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું મોત થયું હતું. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પરિવારની ફરિયાદ બાદ પોલીસે GJ-08-CL-4210 નંબરની બાઈકના ચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં આ બાઈકની ભૂમિકા મહત્વની બની છે.આ બાઈક ઉચોસણ ગામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે. હવે અકસ્માત કઈ રીતે થયો, બંને બાઈકની સ્થિતિ શું હતી અને ટક્કર કેવી રીતે થઈ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અકસ્માત પહેલાંનો CCTV પણ સામે આવ્યું

અકસ્મતના થોડા સમય પહેલાંનો CCTV ફૂટેજ પણ સામે આવ્યું છે. તેમાં ચંદન રાઠોડ પેટ્રોલ પંપ પર પોતાની બાઈકમાં પેટ્રોલ ભરાવતા જોવા મળે છે. અહેવાલો મુજબ આ દૃશ્યો બપોરે આશરે 1:30 વાગ્યાના છે અને ત્યારબાદ થોડા જ સમયમાં ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક અકસ્માત થયો હતો

બાઈક પાટિયાં સાથે અથડાયું હતું

ચંદન રાઠોડની સાથે જોવા મળતા તેમના મિત્રએ મીડિયાને જણાવ્યું હતું કે ચંદન રાઠોડ ભાભરથી સુઈગામ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ભાભર નજીક આવેલી ગૌશાળા પાસે સામેથી આવતા ઉચોસણ ગામના એક અન્ય મોટરસાયકલ સાથે તેમનું વાહન અથડાયું હતું. સામેના મોટરસાયકલ પર કડિયાકામમાં વપરાતા લાકડાના પાટિયાં (પાલખ) બાંધેલા હતા. ચંદન રાઠોડનું બાઈક આ પાટિયાં સાથે અથડાતા તેમણે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સોશિયલ મીડિયામાં અનેક સવાલો

બીજી તરફ અકસ્માતને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે કે જો બે બાઈક વચ્ચે ટક્કર થઈ હતી તો શરૂઆતમાં ઘટનાસ્થળેથી બીજી બાઈકનો ઘાયલ થયેલો બાઇક ચાલક કેમ જોવા મળ્યો ન હતો? કેટલાક લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે અકસ્માતની ઘટનામાં અન્ય બાઈકચાલકની ભૂમિકા અને તેની ઈજાઓ અંગે શરૂઆતમાં સ્પષ્ટતા કેમ ન થઈ. સોશિયલ મીડિયામાં કેટલાક લોકો અકસ્માત બે બાઈક વચ્ચે થયો હોવાની વાત કરી રહ્યા છે, જ્યારે બાઈક સ્લીપ થઈ હોવાની ચર્ચા પણ થઈ હતી. કેટલાક દાવાઓમાં ટ્રક સાથે ટક્કરની વાત પણ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં સવાલ પુછાઇ રહ્યો છે કે અકસ્માતના એક સીસીટીવી ફૂટેજમાં તેઓ બપોરે 1.33 વાગે પેટ્રોલ પુરાવતા જોવા મળે છે અને તેની 15થી 20 મિનીટમાં જ અકસ્માતો થયો હતો. આ 15થી 20 મિનીટમાં શું થયું? અકસ્માત વખતે માત્ર ગુજ્જુ લવ ગુરુ એકલા જ નીચે પડેલા જોવા મળ્યા હતા તો પછી બીજો બાઇક ચાલક કે જે ઘાયલ થયો હતો તે કેમ ઘટના સ્થળે જોવા મળ્યો ન હતો તે સવાલ પણ સોશિલ મીડિયામાં પુચાઇ રહ્યો છે સાચું કારણ તો પોલીસ તપાસમાં જ બહાર આવી શકે છે.  જોકે આ તમામ બાબતો હાલમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા અને સવાલો છે, સત્તાવાર રીતે સાબિત થયેલી હકીકત નથી. 

લોકોને હસાવતો એક લોકપ્રિય કલાકાર

સુઈગામમાં આજે પણ લોકોની આંખોમાં આંસુ છે. જે માણસ પોતાના શબ્દો અને હાસ્યથી લાખો લોકોને હસાવતો હતો, તેની ખાલી જગ્યા હવે પરિવાર, મિત્રો અને ચાહકો માટે ક્યારેય ન ભરાય તેવી બની ગઈ છે. ચંદન રાઠોડની વસમી વિદાયે એક પરિવાર પાસેથી દીકરો, બાળકો પાસેથી પિતા અને ગુજરાત પાસેથી લોકોને હસાવતો એક લોકપ્રિય કલાકાર છીનવી લીધો છે.  


  આ પણ વાંચો   :     Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video