ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ઉત્તર પ્રદેશ એસટીએફ, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને બુલંદશહર પોલીસની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ સાથેની અથડામણમાં 50,000નો ઇનામી ગુનેગાર નસીમ દુર્રાની ઉર્ફે રિઝવાન માર્યો ગયો છે. નસીમ 16 નવેમ્બરે દિલ્હીના સોનિયા વિહારમાં થયેલા સમીર ઉર્ફે ભૂરા હત્યા કેસમાં વોન્ટેડ હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક ઓટોમેટિક પિસ્તોલ પણ મળી આવી છે.
પોલીસથી ઘેરાતાં ફાયરિંગ શરૂ કર્યું
મળતી વિગતો મુજબ, દિલ્હી પોલીસ અને નોઈડા એસટીએફને નસીમ દુર્રાની બુલંદશર વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે ઉત્તર પ્રદેશ એસટીએફ, દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને બુલંદશર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
નસીમે પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કર્યો
સિકંદરાબાદ કોતવાલી વિસ્તારના જાટ ચોક પાસે પોલીસની ટીમે નસીમને ઘેરી લીધો હતો. પોલીસથી ઘેરાયેલો હોવાનું જણાતાં નસીમે પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં નસીમનું મોત થયું હતું.
સમીર હત્યા કેસમાં હતો વોન્ટેડ
પોલીસના જણાવ્યા મુજબ, નસીમ દુર્રાની ઉર્ફે રિઝવાન (37) દિલ્હીના ન્યૂ મુસ્તફાબાદ સ્થિત રાજીવ ગાંધી નગરનો રહેવાસી હતો. 16 નવેમ્બરે દિલ્હીના સોનિયા વિહાર વિસ્તારમાં ઝીરો પુશ્તા પાસે સમીર ઉર્ફે ભૂરા પોતાના મિત્રો સાથે સ્કૂટી પર જઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક પર આવેલા હુમલાખોરોએ તેને રોકીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
હત્યા કેસની તપાસ દરમિયાન નસીમની સંડોવણી સામે આવી
ગોળી વાગવાથી ઘાયલ સમીરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યા કેસની તપાસ દરમિયાન નસીમની સંડોવણી સામે આવી હતી. ખજૂરી ખાસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 587/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા અને શસ્ત્ર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
25થી વધુ ગંભીર ગુનાઓમાં નામ
પોલીસ રેકોર્ડ મુજબ, નસીમનો લાંબો ગુનાહિત ઇતિહાસ હતો. રાજા મેવાતી હત્યા કેસમાં પણ તેને મુખ્ય શૂટર ગણાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાઝિયાબાદના લોનોી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પણ તે વોન્ટેડ હતો. દિલ્હીનાં ગોકુલપુરી, ખજૂરી ખાસ, જાફરાબાદ અને દયાલપુર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા. તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને ગેરકાયદે હથિયાર રાખવા સહિતના 25થી વધુ ગંભીર ગુનાના કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.
દાઉદની ડી-કંપની સાથે જોડાણ હોવાનો દાવો
નસીમ દુર્રાની અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની સાથે જોડાયેલો હતો અને છોટા શકીલના સંપર્કમાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. વર્ષ 2016-17 દરમિયાન છોટા શકીલે તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર છોટા રાજનની હત્યા કરવા માટે નસીમને સોપારી આપી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે નસીમના મોતથી સમીર હત્યા કેસ સહિત અન્ય ગુનાહિત કેસોની તપાસમાં મહત્વની કડીઓ મળી શકે છે.
આ પણ વાંચો : Cyclone Akvan Live : ભીષણ વાવાઝોડા અકવાનનું લેન્ડફોલ શરૂ, આગામી 3 કલાક સુધી ચાલશે ભારે તોફાન