ભીષણ ચક્રવાત અકવાનનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, લેન્ડફોલની પ્રક્રિયા આગામી 3 કલાક સુધી ચાલુ રહેવાની શક્યતા છે. વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમમાં વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ઊંચાં મોજાં ઉછળતાં જોવા મળી રહ્યાં છે.


પળેપળની માહિતી માટે પેજ સતત રિફ્રેશ કરતા રહો      


શ્રીકાકુલમમાં ભારે વરસાદ, અનેક સ્થળોએ 12 સેમીથી વધુ વરસાદ નોંધાયો


અમરાવતી હવામાન કેન્દ્રનાં ડિરેક્ટર ડૉ. કે. નાગા રત્નાએ જણાવ્યું કે ચક્રવાત ‘અકવાન’ સવારે 07:30થી 08:30 દરમિયાન ગોપાલપુર નજીક ત્રાટક્યું હતું. તે સમયે પવનની ઝડપ 70થી 80 કિમી પ્રતિ કલાક હતી. છેલ્લા 24 કલાકમાં ઉત્તર આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ઇચાપુરમ, સોમપેટ અને માંડાસામાં 12 સેમીથી વધુ વરસાદ નોંધાયો છે.


https://x.com/ANI/status/2123646931448815704?a=MhipNV1UZCuFfGMyL0s&s=20  



ગોપાલપુર નજીક ચક્રવાતનું કેન્દ્ર, આગામી 9 કલાકમાં વધુ નબળું પડશે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ‘અકવાન’ શુક્રવારે સવારે 07:30થી 08:30 દરમિયાન દરિયાકાંઠે ત્રાટક્યું હતું. સવારે 08:30 વાગ્યે તેનું કેન્દ્ર ગોપાલપુર નજીક હતું. આગામી 3 કલાકમાં તે નબળું પડી ડીપ ડિપ્રેશનમાં અને ત્યારબાદ 6 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ દરમિયાન તે ઓડિશા પરથી ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધશે.


ચક્રવાતને પગલે લોકોને ઘરમાં રહેવા અપીલ, પ્રવાસન પ્રવૃત્તિઓ પર નિયંત્રણ


હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વૃક્ષો અને વીજ થાંભલાથી દૂર રહેવા તેમજ વીજ ઉપકરણોનાં પ્લગ કાઢી નાખવા સૂચના અપાઈ છે. પરિસ્થિતિ વધુ ગંભીર બને તો સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે. વહીવટીતંત્રને દરિયાઈ અને પ્રવાસન પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા પણ જણાવાયું છે.


ચક્રવાત ‘અકવાન’થી મકાનો, પાક અને વીજળી સેવાઓને નુકસાનની આશંકા


હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાતના કારણે કાચાં મકાનો અને ઝૂંપડાંને નુકસાન થઈ શકે છે. વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત વીજળી અને સંચાર સેવાઓ ખોરવાઈ શકે છે. ઊભા પાક, પાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ છે. ભૂસ્ખલનની શક્યતા સાથે માર્ગ, રેલવે, દરિયાઈ અને હેલિકોપ્ટર સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે.



ઓડિશાના દરિયાકાંઠે માછીમારોને ચેતવણી, બંદરો પર ખતરા સિગ્નલ


ચક્રવાત ‘અકવાન’ને પગલે માછીમારોને શનિવાર સુધી ઓડિશાના દરિયાકાંઠે અને તેની આસપાસના વિસ્તારોમાં નહીં જવાની સલાહ અપાઈ છે. ગોપાલપુર અને પુરી બંદરે ખતરા સિગ્નલ 7, પારાદીપમાં સિગ્નલ 6 અને ધામરા બંદરે સ્થાનિક ચેતવણી સિગ્નલ 3 લગાવવામાં આવ્યા છે.



ઓડિશાના અનેક જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડનું જોખમ, ઘરમાં રહેવા અપીલ


ચક્રવાત ‘અકવાન’ના લેન્ડફોલ બાદ શુક્રવાર સાંજ સુધીમાં તે નબળું પડી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગે ઓડિશાના ગજપતિ, ગંજામ, પુરી, બાલાસોર સહિત અનેક જિલ્લાઓમાં અચાનક પૂરનું મધ્યમથી ઊંચું જોખમ વ્યક્ત કર્યું છે. સંભવિત જોખમને પગલે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.


નિમ્ન દબાણથી ચક્રવાત સુધી પહોંચ્યું ‘અકવાન’


ચક્રવાત ‘અકવાન’નું નામકરણ ઉત્તર હિંદ મહાસાગરના વાવાઝોડાંની યાદી મુજબ કરવામાં આવ્યું હતું. નવેમ્બરના મધ્યમાં બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ ભાગમાં તે લો પ્રેશર તરીકે ઉદ્ભવ્યું હતું. ત્યારબાદ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને ચક્રવાતમાં ફેરવાયું હતું. થોડા સમય માટે તેની તીવ્રતા ગંભીર ચક્રવાતની શ્રેણી સુધી પહોંચી હતી. શરૂઆતમાં આંધ્રપ્રદેશના નેલ્લોરથી વિશાખાપટ્ટનમ વચ્ચે લેન્ડફોલની આગાહી હતી.


ગોપાલપુર નજીક ‘અકવાન’નું લેન્ડફોલ પૂર્ણ, હવે નબળું પડશે વાવાઝોડું


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ‘અકવાન’ 20 નવેમ્બરે સવારે 07:30થી 08:30 દરમિયાન ગોપાલપુર નજીક ઓડિશા-આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. આ દરમિયાન પવનની ઝડપ 70થી 80 કિમી પ્રતિ કલાક રહી હતી, જે ઝટકામાં 90 કિમી સુધી પહોંચી હતી. આગામી 3 કલાકમાં વાવાઝોડું ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ 6 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.


https://x.com/Indiametdept/status/2123640897112019326?a=7-XlV7nvqCqXgi29Wbg&s=20 




ઓડિશાના 20 જિલ્લામાં સ્થળાંતર, 3 લાખથી વધુ લોકો સુરક્ષિત


ચક્રવાત ‘અકવાન’ના જોખમને પગલે ઓડિશાના 20 જિલ્લામાં મોટા પાયે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. 4,170 સગર્ભા મહિલાઓને આશ્રયસ્થળે પહોંચાડવામાં આવી છે. રાજ્યમાં 9,341 રાહત શિબિરો તૈયાર છે, જેમાંથી 2,623 કાર્યરત થઈ છે. 6 જિલ્લામાં ભૂસ્ખલનના જોખમવાળા 941 ગામોની પણ ઓળખ કરાઈ છે.


ચક્રવાત ‘અકવાન’ની અસરથી પશ્ચિમ બંગાળમાં વરસાદ, દરિયો તોફાની


ચક્રવાત ‘અકવાન’ની અસરથી પશ્ચિમ બંગાળના હવામાનમાં પલટો આવ્યો છે. કોલકાતા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સુંદરવનના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નદીઓ અને સમુદ્રનું જળસ્તર વધ્યું છે. વહીવટીતંત્રે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને પ્રવાસન સ્થળોએ સાવચેતી વધારી છે. 


https://x.com/PTI_News/status/2123607340448632897?a=79ejrZEbohxno3CY_68&s=20  




3 અઠવાડિયામાં ત્રીજું વાવાઝોડું, ઓડિશા-આંધ્રમાં ભયનો માહોલ


ચક્રવાત ‘અકવાન’ની આહટથી ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયનો માહોલ છે. છેલ્લા 3 અઠવાડિયામાં આ વિસ્તારમાં ત્રીજું વાવાઝોડું ત્રાટક્યું છે. અગાઉ ‘અર્નબ’ અને ‘મુરાસુ’ નામનાં વાવાઝોડાંએ પણ આ વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી.



ઓડિશામાં 9,341 રાહત શિબિરો તૈયાર, લાખો લોકોનું સ્થળાંતર


ઓડિશામાં ચક્રવાત ‘અકવાન’ની અસર વચ્ચે રાજ્ય સરકારે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 9,341 રાહત શિબિરો તૈયાર કરી છે. લાખો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. રાહત શિબિરોમાં લોકો માટે ભોજન, પીવાનું પાણી, દવાઓ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે.


ચક્રવાત ‘અકવાન’થી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું જોખમ


ચક્રવાતનું કેન્દ્ર ગોપાલપુર નજીક નોંધાયું છે. ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદ પડી રહ્યો છે. દરિયામાં 0.5 મીટર ઊંચાં મોજાં ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ છે. આગામી 24 કલાકમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં અચાનક પૂરનું જોખમ છે. 


https://x.com/Indiametdept/status/2123624255539822668?a=O9keWxU5c0gzsTOXSy8&s=20  



ચક્રવાત ‘અકવાન’ ગોપાલપુર નજીક ત્રાટક્યું


આજે 20 નવેમ્બરે સવારે 07:30થી 08:30 દરમિયાન ચક્રવાત ‘અકવાન’ ઓડિશાના ગોપાલપુર નજીક દરિયાકાંઠે ત્રાટક્યું હતું. આ દરમિયાન પવનની ઝડપ 70થી 80 કિમી પ્રતિ કલાક રહી હતી, જ્યારે ઝટકામાં 90 કિમી સુધી પહોંચી હતી. લેન્ડફોલની પ્રક્રિયા આગામી 2 કલાક સુધી ચાલુ રહેવાની શક્યતા છે.



આગામી 3 કલાક સુધી લેન્ડફોલની પ્રક્રિયા

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડા અકવાનનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે અને આ પ્રક્રિયા આગામી 3 કલાક સુધી ચાલુ રહેશે. ચક્રવાતને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે.

35,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

દક્ષિણ વિભાગના મહેસૂલ વિભાગીય કમિશનર વિજય અમૃતા કુલાંગેએ જણાવ્યું હતું કે લોકોને સુરક્ષિત રાખવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ જણાય તો તેમને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રો અથવા હોસ્પિટલોમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. 

https://x.com/Indiametdept/status/2123596197436981681?a=ODSao_vKPdARtbBgbUQ&s=20  


લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા

તેમના જણાવ્યા પ્રમાણે, ગજપતિ જિલ્લામાં 22,000થી વધુ અને કંધમાલ જિલ્લામાં 13,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કોઈ પણ મનુષ્ય કે પ્રાણીનો જીવ ન જાય તે મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. આ માટે અલગ-અલગ ટીમોને વ્યૂહાત્મક સ્થળોએ તહેનાત કરવામાં આવી છે.

ભેખડ ધસી પડવાના જોખમવાળા વિસ્તારો ખાલી કરાવાયા

અધિકારીએ જણાવ્યું હતું કે પહાડી વિસ્તારો, ઢોળાવવાળા વિસ્તારો અને જ્યાં ભૂસ્ખલનનું જોખમ છે તેવાં સ્થળોની અગાઉથી ઓળખ કરવામાં આવી હતી. આ તમામ વિસ્તારો ખાલી કરાવી દેવામાં આવ્યા છે.

ગંજામના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા 

ચક્રવાત ગંજામના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા હોવાથી ત્યાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રસ્તા પરના વાહનવ્યવહાર પર પણ દેખરેખ રાખીને તેને નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે.  


આ પણ વાંચો :   EPFO : પીએફ ખાતાધારકોને મોટી રાહત, હવે 90% રકમ ઉપાડી શકાશે, માત્ર 10% બેલેન્સ રાખવું પડશે