કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના બોર્ડે પીએફ ખાતાધારકોને વધુ એક મોટી રાહત આપી છે. હવે પીએફ ખાતામાં ઓછામાં ઓછા 25% રકમ જાળવી રાખવાની જગ્યાએ માત્ર 10% રકમ રાખવી પડશે. એટલે કે ખાતાધારકો પોતાના પીએફ બેલેન્સમાંથી 90% સુધીની રકમ જરૂરિયાત મુજબ ઉપાડી શકશે.

હવે 10% રકમ જ ખાતામાં રાખવી પડશે

અગાઉ પીએફ ખાતામાં 10 લાખ રૂપિયા હોય તો 2.5 લાખ રૂપિયા ઉપાડી શકાતા નહોતા. નવા નિર્ણય મુજબ હવે માત્ર 1 લાખ રૂપિયા ખાતામાં રાખવાના રહેશે અને બાકીના 9 લાખ રૂપિયા જરૂરિયાત મુજબ ઉપાડી શકાશે. એટલે કર્મચારીઓને પોતાના પીએફ બેલેન્સનો મોટો હિસ્સો ઉપયોગમાં લેવાની સુવિધા મળશે. જોકે, આ માટે લાગુ પડતા નિયમો અને શરતોનું પાલન કરવું પડશે.

નિવૃત્તિ બાદ હપ્તામાં પૈસા ઉપાડવાની સુવિધા

નિવૃત્તિ બાદ પીએફની સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડવાને બદલે ધીમે-ધીમે હપ્તામાં રકમ ઉપાડવાની સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનને પણ મંજૂરી આપવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ જરૂરિયાત મુજબ હપ્તામાં નાણાં મેળવી શકાશે અને બાકીની રકમ પીએફ ખાતામાં જમા રહેશે, જેના પર વ્યાજ મળતું રહેશે.

ન્યૂનતમ પેન્શન વધારવા અંગે પણ નિર્ણય

ઈપીએફઓની બેઠકમાં પેન્શન અંગે પણ મહત્વનો મુદ્દો ચર્ચાયો હતો. વિવિધ સંગઠનો દ્વારા લઘુતમ પેન્શન વધારીને 7,500 રૂપિયા કરવાની માગ કરવામાં આવી હતી. હાલમાં કર્મચારી પેન્શન યોજના હેઠળ લઘુતમ માસિક પેન્શન 1,000 રૂપિયા છે. તેને વધારીને 3,000 રૂપિયા કરવાની શક્યતા અંગે પણ બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

વેજ સીલિંગમાં પણ વધારો

આ વર્ષે 16 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં ઈપીએફઓની વેજ સીલિંગ દર મહિને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ફેરફારથી 50 લાખથી 1 કરોડ જેટલા નવા લાભાર્થીઓને ફાયદો થઈ શકે છે, કારણ કે વધુ કર્મચારીઓ ફરજિયાત સામાજિક સુરક્ષાના દાયરામાં આવી શકે છે. 


આ પણ વાંચો :  Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન