સમાજમાં સામાન્ય માન્યતા છે કે પુરુષો મજબૂત હોય છે અને તેમને દુઃખ થતું નથી, પરંતુ આ માન્યતા પાછળ અનેક પુરુષોની વેદના છુપાયેલી છે. ઘરેલું વિવાદ, ખોટા આક્ષેપો, સામાજિક બદનામી અને કાયદાકીય કાર્યવાહીના ડરથી અનેક પીડિત પતિઓ પોતાની વાત સામે લાવતા નથી. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંશોધનમાં પુરુષોની આ સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
બદનામીના ડરથી ફરિયાદ કરવામાં ખચકાટ
દક્ષિણ ગુજરાતમાં મહિલાઓના રક્ષણ માટેના કાયદાઓના દુરુપયોગથી મુશ્કેલીનો સામનો કરતા પતિઓના વિષય પર સંશોધન કરવામાં આવ્યું હતું. તેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના સામાન્ય લોકો, વકીલો અને પોલીસ અધિકારીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં સામેલ 78 ટકા લોકોએ સ્વીકાર્યું કે સમાજમાં ઉપહાસ અને બદનામી થવાના ડરથી પીડિત પતિ પોતાની વ્યથા કોઈને કહી શકતા નથી.
પરિવાર પણ માનસિક તણાવનો ભોગ બને છે
સંશોધન મુજબ, 82.6 ટકા લોકો માને છે કે પત્નીના અયોગ્ય વર્તનથી માત્ર પતિ જ નહીં, પરંતુ વૃદ્ધ માતા-પિતા અને પરિવારજનો પણ હેરાનગતિનો ભોગ બને છે. જ્યારે 83.7 ટકા લોકોનું માનવું છે કે ખોટી ફરિયાદ નોંધાવવાથી પતિ અને પત્ની બંનેની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે.

વારંવારના આક્ષેપો પણ માનસિક ક્રૂરતા
સર્વેમાં 78.4 ટકા લોકોએ માન્યું કે પતિ પર વારંવાર થતા અસ્તિત્વહીન અને ઘરેલુ હિંસાના આક્ષેપો પણ માનસિક ક્રૂરતા સમાન છે. સંશોધનમાં એવું પણ સામે આવ્યું કે ફરિયાદ નોંધાય એટલે આરોપ લાગતા જ સામાજિક છાપ ઊભી થઈ જાય છે. વૃદ્ધ માતા-પિતાને કોર્ટનાં પગથિયાં ચઢવા પડે છે, નોકરી અને પ્રતિષ્ઠા પર અસર થાય છે તથા એકલતામાં ઘેરાયેલા પુરુષો હતાશા તરફ ધકેલાઈ શકે છે. જ્યારે પતિઓને ન્યાય અપાવતા કાયદાની તકફેણમાં રુપુષોનું પ્રમાણ 70.5 ટકા છે પણ તેના કરતા મહિલાઓ આગળ છે જેનું પ્રમાણ 83.5 ટકા છે. ખોટા કેસોથી વિશ્વસનિયતા ઘટે છે

58.2 ટકા લોકોને ખબર જ નથી કે છૂટાછેડા મેળવી શકાય છે
સંશોધન મુજબ સર્વેના 58.2 ટકા લોકોને ખબર જ નથી કે કૃરતાનો ભોગ બનનાર પતિ પણ હિન્દુ, પારસી કે વિશિષ્ટ લગ્ન ધારા હેઠળ છૂટેછેડા મેળવી શકે છે. પત્નિ પીડિત પતિઓ હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 13 હેઠળ પત્નીની ખોટી ફરિયાદને માનસિક કૃરતા ગણી છૂટાછેડા લઇ શકે છે. સુપ્રીમ કોર્ટે પણ આ ખોટા કેસોને માનસિક કૃરતા ગણાવ્યા છે. આ માટે પતિએ ફેમિલી કોર્ટમાં અરજી કરવાની રહે છે તેથી કાયદાકીય જાગૃતિ દ્વારા પુરુષો પોતાનું રક્ષણ કરી શકે છે.
મૌન પીડાનું વરવું સત્ય
સર્વે મુજબ ભાવનાત્મક કૃરતા, કાયદાકીય કૃરતા, મોખિક કૃરતા, આર્થિક કૃરતા તથા દૈહિક કૃરતા જેના પાંચ કૃરતાના સ્વરુપો છે જે લોકોને દેખાતા નથી પણ આના કારણે એક હસતો રમતો પરિવાર વિખેરાઇ પણ જાય છે. આ મૌન પીડાનું વરવું સત્ય છે.

પીડિત પુરુષો માટે સહાયની જરૂર
સંશોધનમાં પુરુષોની પીડા સાંભળવા માટે હેલ્પલાઇન અને કાઉન્સેલિંગ સેન્ટરની જરૂરિયાત પણ દર્શાવવામાં આવી છે. સંશોધન સાથે જોડાયેલા ડૉ. વિમલ એ. પંચાલના માર્ગદર્શન હેઠળ જાદવ અનિતાના સંશોધનમાં આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પુરુષોની માનસિક પીડાને સમજવા અને તેમને યોગ્ય સહાય મળે તે માટે સમાજમાં સંવેદનશીલ અભિગમ જરૂરી હોવાનું સંશોધનનો મુખ્ય સંદેશ છે.
આ પણ વાંચો : Jamnagar: નાગપુર ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણીનું કૌભાંડ, 4 મહિનામાં 400 લગ્નની નોંધણીથી ખળભળાટ