જામનગર જિલ્લાના નાગપુર ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. આશરે 800ની વસ્તી ધરાવતા ગામમાં માત્ર 4 મહિનાના સમયગાળામાં 400 લગ્ન નોંધાયાં હોવાની વિગતો સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે. આરટીઆઈ હેઠળ મેળવેલી માહિતીમાં આ વિગતો સામે આવ્યા બાદ સમગ્ર પ્રકરણ ચર્ચામાં આવ્યું છે.

800ની વસ્તી, 4 મહિનામાં 400 લગ્ન નોંધણી

નાગપુર ગામની વસ્તી આશરે 800 હોવા છતાં ચાર મહિનામાં 400 લગ્ન નોંધણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કેવી રીતે થઈ તે અંગે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ગામની વસ્તીની સરખામણીએ નોંધાયેલા લગ્નોની સંખ્યા શંકા ઉપજાવી રહી છે.

રજિસ્ટરમાં લગ્નનું સ્થળ એક જ દર્શાવાયું

આ પ્રકરણમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે લગ્ન નોંધણીના રજિસ્ટરમાં તમામ લગ્નનું સ્થળ એક જ દર્શાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે લગ્ન કરનાર યુવાન-યુવતીઓ તમામ બહારગામનાં હોવાનો પણ ખુલાસો થયો છે. આટલી મોટી સંખ્યામાં બહારગામનાં યુગલોની લગ્ન નોંધણી નાગપુર ગ્રામ પંચાયતમાં કયા આધારે કરવામાં આવી તે તપાસનો વિષય બન્યો છે.

યુવતીના કાકાને જાણ થતાં મામલો બહાર આવ્યો

મળતી માહિતી મુજબ, લગ્ન કરનાર એક યુવતીના કાકાને લગ્ન નોંધણી અંગે જાણ થતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. ત્યારબાદ આ મામલે વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આરટીઆઈમાં મળેલી માહિતીથી લગ્ન નોંધણી અંગેના સવાલો વધુ ગંભીર બન્યા છે.

તલાટીની ભૂમિકા શંકાના ઘેરામાં

આક્ષેપો મુજબ, સમગ્ર પ્રકરણ વધુ બહાર આવે તે પહેલાં તલાટીને હટાવવામાં આવ્યા હતા. હવે લગ્ન નોંધણીની પ્રક્રિયા કયા દસ્તાવેજોના આધારે કરવામાં આવી, રજિસ્ટરમાં એક જ સ્થળ કેમ દર્શાવાયું અને તલાટીની તેમાં શું ભૂમિકા હતી તેવા સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય તો વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. 


આ પણ વાંચો :   Kulgam: કુલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર કમાન્ડર લતીફ ભટ એન્કાઉન્ટરમાં ઠાર