સંઘપ્રદેશ દમણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે પોલીસ સક્રિય બની છે. દમણની કડઈયા કોસ્ટલ પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ભીમપુર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ધમધમતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ અચાનક રેડથી જુગારના રવાડે ચડેલા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
વલસાડનો કુખ્યાત ઈમ્તિયાઝ ચલાવતો હતો જુગારધામ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ જુગારધામ કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ વલસાડના કુખ્યાત જુગારી ઈમ્તિયાઝ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. ઈમ્તિયાઝે પોલીસની નજરોથી બચવા માટે ભીમપુરની આ બંધ કે અવાવરૂ ફેક્ટરીને પોતાનો અડ્ડો બનાવ્યો હતો અને ત્યાં મોટા પાયે જુગારની પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી.
વલસાડ અને આસપાસના વિસ્તારોમાંથી આવતા હતા જુગારીઓ
બાતમી મુજબ, આ જુગારધામમાં સ્થાનિક લોકો ઉપરાંત વલસાડ અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જુગારીઓ નસીબ અજમાવવા માટે ખાસ દમણ સુધી આવતા હતા. જ્યાં દરરોજ લાખો રૂપિયાની હાર-જીતનો જુગાર રમાતો હોવાની વિગતો પણ સામે આવી રહી છે, જેને પગલે પોલીસે આયોજનબદ્ધ રીતે ઓપરેશન પાર પાડ્યું હતું.
બાતમીના આધારે 15થી વધુ જુગારીઓ ઝડપાયા
કડઈયા કોસ્ટલ પોલીસને આ ફેક્ટરીમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ અંગે ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી. જેના આધારે પોલીસે પૂરી તૈયારી સાથે ફેક્ટરી પર રેડ કરી હતી. આ સફળ રેડ દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 15થી વધુ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પોલીસ સ્ટેશને લાવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ
પકડાયેલા તમામ 15થી વધુ જુગારીઓને પોલીસ વાહનો દ્વારા તાત્કાલિક કડઈયા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. પોલીસે જુગારના ટેબલ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. વલસાડના ઈમ્તિયાઝ અને અન્ય પકડાયેલા શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Valsad: ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક, દમણગંગા નદીમાં પાણી છોડાતા નદી બંને કાંઠે