દક્ષિણ ગુજરાત અને તેને અડીને આવેલા મહારાષ્ટ્રના પૂર્વીય વિસ્તારો સહિત ડાંગ અને નાસિકના ઘાટ સેક્ટરમાં અવિરત પડી રહેલા ભારે વરસાદની સીધી અસર વલસાડ જિલ્લાના જળાશયો પર જોવા મળી રહી છે. વલસાડ અને સંઘપ્રદેશની સરહદે આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. ડેમની સપાટી નિયમન સ્તર વટાવીને 72.25મીટરે પહોંચી જતાં ઇરિગેશન વિભાગ હરકતમાં આવ્યું છે.

6 દરવાજા ખોલીને દમણગંગાને કરાઈ સક્રિય

ડેમની સુરક્ષા અને રૂલ લેવલ જાળવી રાખવા માટે ફ્લડ એન્જિનિયરો દ્વારા મધુબન ડેમના 6 મોટા દરવાજાઓને 1.40 મીટર સુધી ઊંચા કરવામાં આવ્યા છે. આ દરવાજા ખોલાતાની સાથે જ દમણગંગા નદીમાં સફેદ ફીણના ગોટેગોટા સાથે પ્રચંડ જળરાશિ વહેતી થઈ છે. હાલમાં નદીમાં દર કલાકે 31,972 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનો આ પ્રવાહ આગામી સમયમાં ઉપરવાસના વરસાદના આધારે હજુ પણ વધારવામાં આવી શકે છે, જેના કારણે દમણગંગા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે.

 લો-લાઇંગ એરિયા હાઇ એલર્ટ પર

નદીમાં હજારો ક્યુસેક પાણી છોડાવાના કારણે વલસાડ જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા તાકીદની બેઠક યોજી નદી કિનારાના તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાપી, દમણ અને સેલવાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં ન જવા અને પૂરની સ્થિતિ પર નજર રાખવા લાઈવ એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રે પોલીસ અને ફાયર ફાઇટર્સની ટીમોને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે બોટ અને લાઈફ જેકેટ સાથે સ્ટેન્ડબાય પર રાખી છે.

આ પણ વાંચો: Gandhinagar: દહેગામ પંથક અને ગિફ્ટ સિટીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, સર્વત્ર ઠંડક પ્રસરી