ગાંધીનગર જિલ્લામાં પણ મેઘરાજાએ વિધિવત રીતે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આજે બપોર બાદ ગાંધીનગર અને ખાસ કરીને દહેગામ પંથકના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ જોરદાર પવન અને વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. દહેગામ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખાનપુર, પાલૈયા, બબલપુરા, લીહોડા અને સાપા સહિતના ગામોમાં સીઝનનો પ્રથમ મોટો વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું હતું.
ગિફ્ટ સિટીમાં આહલાદક વાતાવરણ, બફારાથી મુક્તિ
ગાંધીનગરના આધુનિક ગિફ્ટ સિટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પાટનગરવાસીઓ અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આ વરસાદી માહોલના કારણે સમગ્ર શહેરમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. જોકે, દહેગામના કેટલાક નીચાણવાળા સોસાયટી વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા, જેને લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.
