નવસારી શહેરમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદના લીધે જર્જરિત અને નબળા બાંધકામો ધરાશાયી થવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. નવસારી શહેરના વ્યસ્ત ગણાતા શાંતાદેવી રોડ પર આજે એક મકાનની કમ્પાઉન્ડ વોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. છેલ્લા બે દિવસથી થઈ રહેલા સતત વરસાદના કારણે દીવાલના પાયામાં પાણી ઉતરી જતાં કમ્પાઉન્ડ વોલ અચાનક રોડ તરફ નમી પડી હતી અને જોતજોતામાં મોટા અવાજ સાથે તૂટી પડી હતી.
નવસારીના શાંતાદેવી રોડ પર વોલ ધરાશાયી
https://twitter.com/sandeshnews/status/2074432141492945309
રસ્તા પર પાર્ક કરેલા વાહનો દબાયા, સ્થાનિકોમાં દોડધામ
દીવાલ જે દિશામાં તૂટી તે તરફ રસ્તાની બાજુમાં સ્થાનિક રહીશોની એક કાર અને મોટરસાઇકલ પાર્ક કરેલી હતી. ભારેખમ ઇંટો અને સિમેન્ટનો કાટમાળ સીધો આ વાહનો પર પડવાના કારણે કારની છત અને બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે બાઇક પણ સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી. અચાનક દીવાલ પડવાના પ્રચંડ અવાજથી આજુબાજુના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તુરંત નવસારી મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી.
તંત્રએ યુદ્ધના ધોરણે રસ્તો સાફ કર્યો
બનાવની જાણ થતાં જ નવસારી મનપાની ઇમરજન્સી શાખા અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. શાંતાદેવી રોડ પર વાહનોની અવરજવર ખોરવાય નહીં તે માટે મનપાના કર્મચારીઓએ જેસીબી અને ક્રેન ટ્રેક્ટરની મદદથી દીવાલના મોટા પથ્થરો અને કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સુખદ બાબત એ રહી કે જ્યારે આ દીવાલ પડી ત્યારે રસ્તા પરથી કોઈ રાહદારી કે વાહનચાલક પસાર થઈ રહ્યો ન હતો, જેના કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ છે. તંત્ર દ્વારા નાગરિકોને જૂની અને નબળી દીવાલો કે જર્જરિત મકાનો આસપાસ પોતાના વાહનો પાર્ક ન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Kutch: ભુજમાં વાયોર પોલીસ સ્ટેશનના PSI 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા