અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા વત્સલ પટેલે પત્ની અને સસરાના અસહ્ય માનસિક ત્રાસ અને વારંવાર થતા અપમાનથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિગતો મુજબ, મૃતક વત્સલ અને તેની પત્ની વિશ્વા બંનેના આ બીજા લગ્ન હતા. ગત ઉત્તરાયણના દિવસે એક અકસ્માત થયા બાદ વિશ્વા તેના પિયર જતી રહી હતી. વત્સલે તેને અનેકવાર સમજાવી સાસરીમાં પરત આવવા વિનંતી કરી હતી, પરંતુ પત્ની વિશ્વા અને સસરા નીતિન ઉપાધ્યાય તેને સાસરે મોકલવાને બદલે વત્સલને અવારનવાર અપમાનિત કરતા હતા, જેનાથી વ્યથિત થઈને યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.


યુવકનું અંતિમ પગલું

આ ઘટના બાદ ઈસનપુર પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે પત્ની વિશ્વા ઉપાધ્યાય અને સસરા નીતિન ઉપાધ્યાય વિરુદ્ધ આત્મહત્યાની દૂષ્પ્રેરણાનો (Abetment to Suicide) ગુનો દાખલ કર્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે સસરા પક્ષ તરફથી સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું અને પત્નીને પરત મોકલવા માટે નાણાં અથવા અન્ય શરતોને લીધે વત્સલ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. પોલીસ હાલ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે અને પિતા-પુત્રીની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Gandhinagar News : પોલીસ ભરતીમાં ‘ઝીરો એરર’ મિશન, ઉમેદવારોના પગમાં RFID ચિપ લગાવી સેકન્ડોનું રખાશે ધ્યાન

  • Follow us on: