અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને માનવ તસ્કરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શહેરના નોબલનગર વિસ્તાર પાસે એક શંકાસ્પદ કારને આંતરીને તપાસ કરતા તેમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી હિંમતનગરના યુનુસ નામના વ્યક્તિ પાસેથી નવજાત બાળકને ખરીદીને હૈદરાબાદના નાગરાજ નામના શખ્સને વેચવા માટે જઈ રહી હતી. પોલીસની સતર્કતાને કારણે આરોપીઓ એરપોર્ટ પહોંચે તે પહેલા જ તેમને દબોચી લેવામાં આવ્યા હતા અને માસૂમ બાળકને સુરક્ષિત બચાવી લેવાયું છે.

માનવ તસ્કરીનો આંતરરાજ્ય છેડો

આ કેસમાં પોલીસે વંદના પંચાલ, સુમિત યાદવ, હૈદરાબાદના રોશન અગ્રવાલ અને મૌલિક દવેની ધરપકડ કરી છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ આંતરરાજ્ય સ્તરે બાળકોની ખરીદ-વેચાણનું નેટવર્ક ચલાવતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે માનવ તસ્કરી (Human Trafficking) ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ કેટલા બાળકોના સોદા કર્યા છે અને હિંમતનગરના યુનુસ સાથે તેમના કેવા સંબંધો છે.