સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ઉત્રાણના સાઈ વિસ્તારની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અહીં તાપી નદીમાં ગટરનું ગંદુ પાણી સીધું છોડવામાં આવતું હોવાની ઘટના સામે આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને મનપાના અધિકારીઓની બેદરકારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં સ્ટોરેજ કરવામાં આવેલું ગટરનું પાણી શુદ્ધિકરણ વગર જ સીધું તાપી નદીમાં વહાવવામાં આવે છે, જે નદીના અસ્તિત્વ અને લોકસ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે.

સુરતીઓનો તંત્રને સવાલ

વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે, ગટરના પાણીની દુર્ગંધને કારણે હવે આ વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકોએ તંત્રને સવાલ કર્યો છે કે જો સુરતમાં પણ અન્ય શહેરો જેવી ભયાનક ગંદકીની સમસ્યા સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? તાપી નદી કે જે સુરતની જીવાદોરી સમાન છે, તેને પ્રદૂષિત થતી રોકવા માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં ગટરના પાણીનો નિકાલ બંધ કરવામાં નહીં આવે તો રહીશોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.