વડોદરાના કપૂરાઇ વિસ્તારમાં આવેલું તળાવ લાંબા સમયથી ગંદકી અને કચરાના ગંજથી ખદબદતું હતું, જેના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ ગંભીર સમસ્યા અંગે 'સંદેશ ન્યૂઝ' દ્વારા ધારદાર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલની સીધી અસર જોવા મળી છે અને કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અચાનક દોડતું થયું છે. ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર તાત્કાલિક કપૂરાઇ તળાવ ખાતે દોડી ગયા હતા અને ત્યાં જાતે ઊભા રહીને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરાવી હતી.
સ્થાનિકોમાં ખુશી
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વારંવારની રજૂઆતો છતાં જે કામ થતું નહોતું તે મીડિયામાં અહેવાલ આવ્યાના ગણતરીના કલાકોમાં જ શરૂ થઈ ગયું છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવી છે કે આગામી એક અઠવાડિયાની અંદર તળાવની આસપાસની તમામ ગંદકી દૂર કરી કામગીરી પૂર્ણ કરવામાં આવે. તળાવની કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્થાનિકોએ તંત્ર પાસે કડક મોનિટરિંગની માગ કરી છે. સંદેશ ન્યૂઝની આ કામગીરીને પગલે કપૂરાઇ વિસ્તારના લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી છે.













