અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે ઓનલાઈન ઓર્ડર કરાયેલી મોંઘી વસ્તુઓને બદલીને તેની જગ્યાએ ડમી માલ મૂકી છેતરપિંડી કરતી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી સુરત અને રાજસ્થાનમાં સક્રિય આંતરરાજ્ય ગેંગ છે. પોલીસે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી અંદાજે 20.52 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઠગ ટોળકી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મોંઘી વસ્તુઓનો ઓર્ડર મેળવતી અને ડિલિવરી દરમિયાન અસલી માલ કાઢી લઈને તેને સસ્તા ભાવે બજારમાં વેચી દેતી હતી.
સુરત અને રાજસ્થાનના ઠગ પકડાયા
આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેઓ અત્યંત ચાલાકીથી પેકિંગ સાથે છેડછાડ કરતા હતા, જેથી ગ્રાહક કે કંપનીને તાત્કાલિક ખબર ન પડે. મોંઘા ગેજેટ્સ અને બ્રાન્ડેડ ચીજવસ્તુઓની અદલાબદલી કરીને તેઓ કંપનીઓને મોટું આર્થિક નુકસાન પહોંચાડતા હતા. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને આ ગેંગના સભ્યોને દબોચી લીધા છે. હાલમાં પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકો અને કઈ-કઈ ઈ-કોમર્સ કંપનીઓને નિશાન બનાવી છે.













