આજથી પશ્ચિમ અને મધ્ય ઝોનના મુખ્ય માર્ગો પર જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ' દ્વારા આક્રમક ડ્રાઈવ હાથ ધરાશે. અગાઉ રચાયેલી JET ટીમ અપેક્ષિત પરિણામો આપવામાં નિષ્ફળ રહેતા તેને બંધ કરી દેવામાં આવી હતી. જોકે, આ વખતે તંત્ર વધુ તૈયારીઓ સાથે ટીમને ફરી મેદાનમાં ઉતારી રહ્યું છે. ટીમમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટ્રાફિક પોલીસના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અધિકારીઓને બોડી-વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે
કામગીરી દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે અને વિવાદ ટળે તે માટે અધિકારીઓને બોડી-વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ૨૦૧૯માં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે શહેરના ૪૮ વોર્ડમાં ઇ-રિક્ષા દ્વારા કાયદા-કાનૂનનું પાલન કરાવવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. દિવસભર ઈ-રિક્ષાઓ ફરતી રાખી દંડની કાર્યવાહી કરવામાં આવતી હતી. શરૂઆતમાં લોકોમાં જાગૃતિ આવી હતી. પરંતુ સમય જતાં આ અભિયાન ધીમું પડી ગયું હતું. અગાઉ JET ટીમની શરૂઆતમાં કડક કામગીરી બાદ ધીમે-ધીમે ઉત્સાહ ઘટયો હતો અને અંતે ટીમ બંધ થઈ ગઈ હતી. આ વખતે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના સીધા સંકલન હેઠળ કામગીરી હાથ ધરાઈ રહી છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ નિયત પાર્કિંગ સ્થળોનો જ ઉપયોગ કરે, નહીં તો કડક દંડ અને વાહન ટોઇંગની કાર્યવાહી થશે. હવે આ અભિયાન કેટલો સમય અસરકારક રહેશે તે જોવાનું રહ્યું છે.
