અમદાવાદ શહેરમાં વધુ એક છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કોલેજમાં અભ્યાસ કરતી એક માસૂમ યુવતીને તેની જ મિત્રએ વિશ્વાસમાં લઈને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. 'ફોર એવર લિવિંગ' નામની પ્રોડક્ટમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થશે, તેવી લાલચ આપીને યુવતીના સોનાના દાગીના ગીરવે મુકાવી દેવામાં આવ્યા હતા, જે બાદમાં પરત ન આપીને છેતરપિંડી આચરવામાં આવી છે.


બહેનપણી અને તેના સાગરીતે ખેલ્યો ખેલ

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર યુવતીની મિત્ર માલિની પંડ્યાએ તેને પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા માટે લલચાવી હતી. રોકાણ માટે નાણાં ન હોવાથી માલિનીએ યુવતીને તેના દાગીના ગીરવે મૂકવા માટે દબાણ કર્યું હતું. આ દરમિયાન જય નાગર નામના યુવકે મધ્યસ્થી બનીને અંદાજે 6 લાખ રૂપિયાની કિંમતના દાગીના લઈ લીધા હતા અને તેના બદલામાં રોકાણ માટે જરૂરી રકમ આપવાનું વચન આપ્યું હતું.

રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

યુવતીએ જ્યારે પોતાના દાગીના કે તેના બદલામાં મળવાપાત્ર રકમની માંગણી કરી, ત્યારે માલિની અને જયે તેને ગોળ-ગોળ જવાબો આપી છેતરપિંડી કરી હતી. અંતે ન્યાય ન મળતા યુવતીએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી માલિની પંડ્યા અને જય નાગરની શોધખોળ હાથ ધરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયા કે મિત્ર વર્તુળમાં થતા આંધળા વિશ્વાસ સામે લાલબત્તી સમાન છે. પોલીસ હાલ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad : વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના, ગુજરાત કોલેજ કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી


  • Follow us on: