અમદાવાદના વાડજ વિસ્તારમાં અંગત અદાવતનો બદલો લેવા માટે ડ્રગ્સનો ખોટો કેસ ઊભો કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ગત 4 એપ્રિલના રોજ એક ઇકો કારમાંથી ડ્રગ્સની પડીકી મળી આવી હતી, જેની બાતમી પોલીસને આપવામાં આવી હતી. જોકે, વાડજ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ કોઈ ડ્રગ પેડલિંગનો કેસ નથી, પરંતુ કોઈને ખોટી રીતે ફસાવવા માટે રચાયેલું એક ષડયંત્ર હતું. આરોપી પ્રદ્યુમન લુહારે અંગત અદાવતમાં સામેવાળી વ્યક્તિને જેલ ભેગી કરવા માટે તેની ગાડીમાં ડ્રગ્સ મુકી પોલીસને ટીપ આપી હતી.
ષડયંત્રનો પર્દાફાશ
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદ્યુમન લુહારે આ કાવતરા માટે સંજય ઉર્ફે ડીડીઓ નામના શખ્સ પાસેથી ડ્રગ્સની પડીકી મેળવી હતી. પોલીસે અત્યારે પ્રદ્યુમન અને ડ્રગ્સ આપનાર સંજય એમ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સાએ પોલીસને પણ ચોંકાવી દીધી છે કે કેવી રીતે લોકો કાયદાનો દુરુપયોગ કરી નિર્દોષોને ફસાવવા માટે ડ્રગ્સ જેવા ગંભીર પદાર્થોનો સહારો લઈ રહ્યા છે. હાલ વાડજ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.













