અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક અને માનવતાને લજવતી ઘટના સામે આવી છે. પીરણા ડમ્પિંગ સાઇટ પાસે આવેલા કચરાના ઢગલામાંથી એક અજાણ્યું નવજાત બાળક મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કોઈ પાષાણ હૃદયની વ્યક્તિએ આ માસૂમને કચરામાં ફેંકી દઈને ફરાર થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે પીરણા ડમ્પિંગ સાઇટ પાસે કચરાના ઢગલામાં એક નવજાત બાળક જેવી આકૃતિ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. દાણીલીમડા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરતા તે નવજાત બાળક હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે તાત્કાલિક ડોક્ટરોની ટીમ બોલાવી બાળકનું પરીક્ષણ કરાવ્યું હતું, જેમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.
