અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલી ધર્મેશ નામના યુવકની હત્યાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે એક્શન મોડમાં આવી મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું.
હત્યા અને આગચંપીની ઘટના
ધંધુકામાં વાહન ઓવરટેક કરવા બાબતે થયેલી તકરારમાં રિઝવાન અને સમીર નામના શખ્સોએ ધર્મેશ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની કરપીણ હત્યા નિપજાવી હતી. હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ઉશ્કેરાયેલા ટોળાએ શહેરમાં આગચંપી કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં હત્યાના આરોપીઓ તેમજ આગચંપી કરનારા તત્વો સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.













