ધંધુકામાં એક યુવકની ઘાતકી હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આજે મૃતક ધર્મેશ ગમારાના મૃતદેહનું ધંધુકા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવ્યું હતું. આ તબક્કે હોસ્પિટલ પરિસરમાં સમાજના આગેવાનો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
સ્વજનોમાં ભારે રોષ અને ન્યાયની માગ
મૃતક ધર્મેશ ઉર્ફે લાલા ગમારાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, મૃતક ધર્મેશના બે ભાઈઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, તેમ છતાં પરિવારના સભ્યની આ પ્રકારે હત્યા થતા સ્વજનોએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે. હોસ્પિટલ ખાતે હાજર સ્વજનોએ પોલીસ અધિકારીઓ પાસે આ કેસમાં જવાબદાર આરોપીઓને સત્વરે ઝડપી પાડી કડક સજા અપાવવાની અને ન્યાય કરવાની માંગ કરી છે.













