અમદાવાદના રાણીપમાં રહેતી એક યુવતીએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગણીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. યુવતીના આક્ષેપ મુજબ, લગ્ન બાદ થોડા જ સમયમાં સાસરિયાઓએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું અને તેને ડગલે ને પગલે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે પરિણીતાને જાણવા મળ્યું કે તેના પતિને અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધો છે. આ બાબતે વિરોધ કરવા છતાં પતિના વર્તનમાં કોઈ સુધારો આવ્યો ન હતો, ઉલટાનું સાસુ-સસરાએ નવી ગાડી અને અન્ય ખર્ચાઓ માટે પરિણીતા પાસે ₹15 લાખની મસમોટી રકમની માંગણી શરૂ કરી હતી.
ઘરેલુ હિંસા
પીડિતાએ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પતિએ નવી ગાડી ખરીદવા માટે તેના પાસેથી અગાઉ ₹2 લાખ રોકડા લીધા હતા. આટલેથી ન અટકતા, પતિ હવે ગાડીના માસિક હપ્તા પણ પત્નીના પગાર કે પિયરમાંથી ભરાવવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. પૈસા ન લાવવા બદલ યુવતીને અવારનવાર મેણા-ટોણા મારીને હેરાન કરવામાં આવતી હતી. અંતે સાસરી પક્ષના વધતા જતા અત્યાચાર અને પતિના આડા સંબંધોથી ત્રસ્ત થઈને યુવતીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે સ્ત્રી અત્યાચાર અને દહેજ ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.













