અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સ્કાયવોક ફ્લેટના બેઝમેન્ટમાં એક યુવકને ઢોર માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મયંક જોષી નામના યુવકને ફ્લેટના બેઝમેન્ટમાં આવવા જેવી નજીવી બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ તકરાર એટલી હદે વધી ગઈ હતી કે આરોપીઓએ ઉશ્કેરાઈને મયંક પર હિંસક હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.


ચાંદખેડા હુમલા કેસમાં પોલીસની એક્શન

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ચાંદખેડા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી તપાસ તેજ કરી હતી, જેમાં આકાશ ઠક્કર, હીરેન સોલંકી અને ક્રિષ્ના ઉર્ફે કાનો બોરાણા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ શા માટે આટલો ઉગ્ર હુમલો કર્યો તે દિશામાં પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસે સુરક્ષા વ્યવસ્થા અને આવા અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ભૂકંપના આંચકાથી ડરશો નહીં, સિસ્મોલોજી વિભાગે જણાવ્યું આંચકા પાછળનું અસલી કારણ

  • Follow us on: