સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં સતત અનુભવાઈ રહેલા ભૂકંપના આંચકાઓને લઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) ના ડિરેક્ટરે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 24 જેટલા નાના-મોટા આંચકાઓ નોંધાયા છે, પરંતુ આ એક 'સ્વોર્મ એક્ટિવિટી' (Swarm Activity) છે. નિષ્ણાતોના મતે જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે જમીનની અંદરના સ્તરોમાં ફેરફાર થવાને કારણે આ પ્રકારના કંપન અનુભવાતા હોય છે. અગાઉ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી. આ પ્રક્રિયા સામાન્ય રીતે 10 દિવસથી લઈને 2 મહિના સુધી ચાલુ રહી શકે છે.


ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રનું રાહતદાયક નિવેદન

ડિરેક્ટરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે અત્યાર સુધી નોંધાયેલા તમામ આંચકાઓની તીવ્રતા 3.8 કે તેથી ઓછી રહી છે, તેથી જાન-માલનું મોટું નુકસાન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. સ્વોર્મ એક્ટિવિટીની ખાસિયત એ છે કે તેમાં સતત નાના આંચકા આવે છે, પરંતુ કોઈ મોટો વિનાશક ભૂકંપ આવવાની સંભાવના નહિવત હોય છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ વગર સાવચેતી જાળવવા વિનંતી કરવામાં આવી છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર આ પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે.

આ પણ વાંચો : Narmada News : રાજપીપળા વન્યજીવ તસ્કરી કેસ, 37 વાઘના ચામડા અને 133 નખ મળતા ખળભળાટ

  • Follow us on: