રાજ્યના વહીવટીતંત્રને વધુ સક્ષમ, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવાના ઉમદા હેતુથી ગાંધીનગર સ્થિત સ્પીપા ખાતે 'અટલ સ્મૃતિ વ્યાખ્યાન' શ્રેણીના ચોથા વ્યાખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભારતની વિકાસયાત્રા અને સુશાસન પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.


વિષય અને મુખ્ય વક્તા

આ વ્યાખ્યાનમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોના પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અને ટાટા ચાન્સેલર પ્રોફેસર કાર્તિક મુરલીધરન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે “Accelerating India’s Development: A State-Led Roadmap for Effective Governance” વિષય પર પોતાનું વ્યક્ત્વ રજૂ કર્યુ હતુ.પ્રોફેસર મુરલીધરને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ દેશ કે રાજ્યનો વિકાસ માત્ર કાગળ પરની નીતિઓથી નહીં, પરંતુ તેના ચોકસાઈભર્યા અમલીકરણ અને જવાબદાર વહીવટ દ્વારા જ શક્ય છે.

અલગ અલગ મુદ્દાઓ પર ભાર મૂક્યો

આ વ્યાખ્યાન દરમિયાન તેમણે અલગ અલગ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. વિકાસને ઝડપી બનાવવા માટે કેન્દ્રની સાથે રાજ્ય સરકારોએ નેતૃત્વ લેવું અનિવાર્ય છે .આ બંને પાયાના ક્ષેત્રોમાં માળખાકીય અને ગુણાત્મક સુધારા એ આર્થિક પ્રગતિની પૂર્વશરત છે. ડેટા અને સંશોધનના આધારે નિર્ણયો લેવાથી જાહેર ખર્ચનો મહત્તમ લાભ જનતા સુધી પહોંચાડી શકાય છે. તેમણે વિવિધ રાજ્યો સાથે કરેલા પ્રયોગો અને સંશોધનોના તારણો શેર કરી ગવર્નન્સના આધુનિક મોડલ્સ સમજાવ્યા હતા.

અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ વહીવટી અધિકારીઓ જેવા કે મહેસૂલ વિભાગના ACS જયંતી રવિ, શિક્ષણ વિભાગના ACS મુકેશ કુમાર, GAD ના અગ્રસચિવ હરિત શુક્લા સહિત સ્પીપાના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. આ વ્યાખ્યાન શ્રેણી દ્વારા રાજ્યના વહીવટી માળખામાં નવતર વિચારોનું સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Rajkot News: આરોગ્ય વિભાગનો સપાટો, પાણીપુરીની 35 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ 


  • Follow us on: