ગુજરાત ATS (ATS) એ એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને હરિયાણામાં થયેલી હત્યાના ગુનામાં છેલ્લા લાંબા સમયથી ફરાર કુખ્યાત શૂટર વિકાસ ઉર્ફે ગોલુ શ્યોરાણની કચ્છના રાપરમાંથી ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે હરિયાણામાં બે ગેંગ વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ અને વર્ચસ્વની લડાઈમાં એક શખ્સની હત્યા કરવામાં આવી હતી, જેમાં વિકાસ મુખ્ય શૂટર તરીકે સામેલ હતો. આ ગુનાને અંજામ આપ્યા બાદ ધરપકડથી બચવા માટે તે ગુજરાત નાસી આવ્યો હતો અને કચ્છના રાપર વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને આશરો લઈ રહ્યો હતો.


ATS ની મોટી કાર્યવાહી

ATS ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીના ચોક્કસ લોકેશનની જાણકારી મેળવી હતી અને ઘેરો ઘાલી તેને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ, ગુજરાતમાં તેને આશરો આપનાર અને મદદ કરનાર શખ્સો વિરુદ્ધ પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં ગેંગવોરના તાર ગુજરાત સુધી લંબાયા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં ATS દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીનો કબજો હરિયાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Gandhinagar માં પોલીસનું દિલધડક ઓપરેશન ‘વિરાંગના’, દુષ્કર્મના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે કર્યું ફાયરિંગ, PI નું મોટું નિવેદન

  • Follow us on: