ગાંધીનગરમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ રામ યાદવને પકડવા માટે પોલીસે 'ઓપરેશન વિરાંગના' હાથ ધરીને મહત્વની સફળતા મેળવી છે. મહિલા PI એલ.પી. દેસાઈના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ ટીમ આરોપીને લઈને ઘટના સ્થળે પુરાવા એકત્રિત કરવા અને તપાસ માટે ગઈ હતી, ત્યારે નરાધમ રામ યાદવે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા માટે પોલીસે ચેતવણી આપી હોવા છતાં તેણે નાસવાની કોશિશ ચાલુ રાખતા પોલીસે તેના પર ફાયરિંગ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન કુલ ૩ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી બે રાઉન્ડ મિસ ફાયર થયા હતા અને એક ગોળી આરોપીને વાગતા તે જખમી થયો હતો.
માસૂમની ચીખનો ન્યાય!
PI એલ.પી. દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ માસૂમ બાળકી તેના ઘરથી માત્ર 500 મીટર દૂર હતી ત્યારે આરોપી તેને ઉપાડી ગયો હતો અને તેની સાથે પાશવી કૃત્ય આચર્યું હતું. બાળકીએ હિંમત બતાવી ઘરે પહોંચીને તમામ માહિતી આપી હોવાથી આ ઓપરેશનનું નામ 'વિરાંગના' રાખવામાં આવ્યું હતું. આરોપીને પકડવા માટે જિલ્લાની વિવિધ ટીમો સતત કાર્યરત હતી. અંતે, જ્યારે તે તપાસના સ્થળેથી ભાગવા ગયો ત્યારે પોલીસે સ્વબચાવમાં અને આરોપીને રોકવા માટે ગોળી ચલાવી હતી. હાલ ઘાયલ આરોપી પોલીસ દેખરેખ હેઠળ છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.













