બનાસકાંઠા જિલ્લાની શાળામાં બાળકો ધૂણતા હોવાનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, તેને લઈને હવે મોટો ખુલાસો થયો છે. વાસ્તવમાં આ વીડિયો કાંકરેજ તાલુકાની તેરવાડીયા પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું છે. શાળામાં શનિવારે 'બેગલેસ ડે' (દફતર વગરનો દિવસ) નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો એકપાત્રીય અભિનય (Monologue) કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાય છે અને તેને કેવી રીતે રોકી શકાય તે વિષય પર નાટક અને રિહર્સલ કરી રહ્યા હતા. તે દરમિયાન ધૂણવાના અભિનયનો ચોક્કસ ભાગ કોઈએ ઉતારીને વાયરલ કરી દેતા ખોટી અફવાઓ ફેલાઈ હતી.
કાંકરેજ શાળા વિવાદમાં નવો વળાંક
શાળા તંત્ર અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકો દ્વારા કરવામાં આવતા આ શૈક્ષણિક અને જનજાગૃતિના અભિનયનું સોશિયલ મીડિયામાં ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. ખરેખર તો શિક્ષકો બાળકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેના પાઠ ભણાવી રહ્યા હતા, જેમાં ધૂણવું એ એક અભિનયનો ભાગ હતો. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેને શાળામાં ચાલતી અંધશ્રદ્ધા માની લીધી હતી, પરંતુ હકીકત એ છે કે આ એક નાટકનું રિહર્સલ હતું. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયામાં થઈ રહેલી ટીકાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે અને વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.













