સંદેશ ડિજીટલના માધ્યમથી દર રવિવારે પોલીસ પંચાતના માધ્યમથી અને જમતા સુધી અમે એ ખાસ વાતો પોલીસ સહિત તંત્રના ધ્યાન પર લાવતા હોય છે કે જે ચર્ચામાં હોય અથવા તો જેણે ચર્ચા ઉભી કરી હોય. પોલીસ પંચાતનો હેતુ ક્યારેય કોઈને નીચે દેખાડવાનો નથી રહ્યો પણ જે ભુલ કરીને પણ આંખમાં આંખ નાંખવા માંગતા હોય તેને અસલીયત બતાડવાનો જરૂર છે. વાંચો શું ખાસ છે આ વખતની પોલીસ પંચાતમાં.
ટ્રાફિકની સમસ્યા દૂર કરવા કરતા વાહન ટોંઈગમાં પોલીસને વધુ રસ છે !
અમદાવાદ શહેરમાં ટ્રાફિક દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે, જાહેર રસ્તા પર ગેરકાયદે રીતે પાર્ક કરેલા વાહનો ટ્રાફિકની ટોંઈગ ઉપાડી જાય છે અને જેના કારણે સ્થાનિકોને પણ તકલીફ પડે છે, એક તો અજાણ્યા માણસને કયાં તેનું વાહન છોડાવવા માટે ક્યાં જાઉં તેની પણ સમજણ ના હોય, ત્યારે હોસ્પિટલ અથવા કોઈ કોમ્પલેકસમાં કામ હોય ત્યારે વાહનો સ્થાનિકો બહાર મૂકીને જતા હોય છે અને પાછા આવે ત્યાં સુધી તો વાહન ટોંઈગ થતું હોય છે, શહેરમાં દબાણો દૂર કરવામાં આવે તો થોડી પાર્કિગની રાહત મળી રહે પરંતુ રોડ પર ધંધો કરનારના લોકો આ જગ્યા છીનવી લેતા હોય છે જેના કારણે લોકો જયાં જગ્યા મળે ત્યાં વાહન પાર્ક કરીને જતા હોય છે અને મહત્વની વાત તો એ છે કે, ટોંઈગ કરીને જે વાહન લઈ જાય છે તે માણસો ખાનગી હોય છે અને તેમનો વ્યવહાર પણ નાગરિકો સાથે સુમેળ ભર્યો હોતો નથી, ઘણા કિસ્સામાં વાહનોને નુકસાન થતું હોય છે તો કોને ફરિયાદ કરવી તે પણ પ્રશ્ન રહેતો હોય છે.
અમદાવાદમાં ‘કે’ કંપનીમાં ફરજ બજાવતા અને જિલ્લા બહાર બદલી થયેલા મોટા વહિવટદારો સ્ટેટની એજન્સીમાં જવા માટે તલપાપડ !
અમદાવાદ શહેરમાં અને મોટા ગજાના વહિવટદારોને હવે સ્ટેટની મોટી એજન્સીમાં જવા રસ પડયો છે, થોડાક સમય અગાઉ ઘણા મોટા વહિવટદારો અને કે કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સ્ટેટની એજન્સીમાં ઈન્ટરવ્યું આપવા માટે પહોંચ્યા હતા અને તે લોકો એ માટે પહોંચ્યા હતા કે તેમને એમ થયું હશે કે આપણે મોટી એજન્સીમાં કામ કરીશું તો કોઈ આપણને હટાવી તો નહી શકે અને વહિવટ પણ ચાલુ રહેશે, ત્યારે આ એજન્સીમાં હજી સિલેકશન થયું નથી, પણ પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આ વહિવટદારોનું પોસ્ટિંગ થવાની શકયતા નહિવત છે. ત્યારે ઘણા કોન્સ્ટેબલોએ રાજકીય લોબી પણ આ માટે ચલાવી છે.
પૂર્વના એક મલાઈદાર પોલીસ સ્ટેશનના PI વરધી ભરીને કંટાળી ગયા, કહ્યું હવે કરવું તો કરવું શું ?
અમદાવાદ શહેરમાં ક્રીમ પોલીસ સ્ટેશનમાં જવા માટે ઘણા પીઆઈઓ તલપાપડ હોય છે અને સારૂ કમાવવા મળે તે માટે રાજકીય જોરથી અને વહિવટદારના જોરથી પોસ્ટિંગ પણ કરાવતા હોય છે, શહેરના છેવાડે પૂર્વ વિસ્તારમાં આવેલું એક એવું પોલીસ સ્ટેશન કે ત્યાંના પીઆઈ વરધી ભરીને કંટાળી ગયા છે, જેટલી કમાણી નથી એનાથી તો વધારે વરધી ભરવી પડે છે તેવી વાત સૂત્રો તરફથી મળી છે, ત્યારે પીઆઈ પણ આ વરધી ભરી ભરીને કંટાળી ગયા છે અને એવી પણ વાત સામે આવી છે કે, તેઓ રજા પર હોય છે તો સ્ટાફના અન્ય માણસોને વરધી ભરવી પડે છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે.
PIને સસ્પેન્ડ કર્યા તો ઈન્ચાર્જ PIનો વહિવટ લેવા માટે લાઈનો લાગી !
અમદાવાદ શહેરમાં દારૂના કેસમાં એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અન્ય પીઆઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે, ત્યારે જે પીઆઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે તેનો વહિવટ લેવા માટે પડાપડી થઈ રહી છે, જોકે તે વિસ્તારમાં હાલમાં પણ કંઈ ચાલતું નથી પણ એક વહિવટદારનો ટેગ મેળવવા માટે જિલ્લા બહારથી પણ ઘણા વહિવટદારો ખાનગી રીતે પીઆઈને મળવા આવી રહ્યાં છે તેવી ચર્ચાએ પોલીસ બેડામાં વેગ પકડયો છે, તો પીઆઈના અંગત માણસોનું કહેવું છે કે, સાહેબ કોઈને વહિવટ આપવા માંગતા નથી અને વિસ્તારમાં પણ કઈ ચાલવા દેશે નહી માટે વહિવટદારો ખોટી જગ્યા પર તળિયા ઘસી રહ્યા છે.
પશ્ચિમ વિસ્તારના એક શાંત પોલીસ સ્ટેશનમાં PIનો પારો સાતમાં આસમાને પહોંચ્યો, ડી-સ્ટાફ વિડ્રોલ કરૂ કે પછી કામ કરશો !
શહેરમાં એક પોલીસ સ્ટેશન એવું છે કે, જયાં પીઆઈ સ્વભાવે શાંત છે પણ કામની બાબતમાં કંઈ ચલાવી લેવા માંગતા નથી, ત્યારે મોડી રાત સુધી ધમધમતી કિટલીઓને લઈ પીઆઈ ડી સ્ટાફની કામગીરીથી નારાજ થયા અને પીઆઈએ ચેમ્બરમાં બોલાવીને ડી સ્ટાફને કહ્યું કે, કામ કરો નહીતર ડી-સ્ટાફ વિડ્રોલ કરી દઈશ અને બધાને અલગ-અલગ નોકરી ફાળવી દઈશ જેને લઈ સ્ટાફમાં નારાજગી વ્યાપી છે, તો આ પોલીસ સ્ટેશન પશ્ચિમ વિસ્તારમાં એક બ્રિજ પાસે આવેલું છે, પીઆઈએ એવી પણ સૂચના આપી કે જો હું નાઈટમાં સરપ્રાઈઝ ચેકિંગ કરીશ અને કોઈ લુખ્ખાઓ કિટલી પર જોવા મળશે તો જે તે કર્મચારીનો કે કંપની માટે ડીઓ પણ કરી શકુ છું.
આ પણ વાંચો : Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો માહોલ