અમદાવાદ શહેરમાં વધુ એક પરિણીતા દહેજ અને માનસિક ત્રાસનો ભોગ બની છે. મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા થયેલા લગ્નના થોડા જ સમયમાં બેંકમાં નોકરી કરતા પતિ અને સાસરિયાઓએ યુવતી પર અંધશ્રદ્ધા અને દહેજ માટે દબાણ કરી તેને તરછોડી દેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે 29 વર્ષીય યુવતીએ પશ્ચિમ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

લગ્ન બાદ તરત જ શરૂ થયો ત્રાસ

મહિલા દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવતીના લગ્ન મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી એક બેંક કર્મચારી યુવક સાથે થયા હતા. લગ્નના શરૂઆતના દિવસોથી જ સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી કરવામાં આવતી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, તેના સાસરિયાઓ અંધશ્રદ્ધામાં માનતા હતા અને તેને પરાણે 'મંત્રેલું પાણી' પીવા માટે દબાણ કરી માનસિક ત્રાસ આપતા હતા.

વિચિત્ર શરતો અને ડિવોર્સની ધમકી

જ્યારે પત્નીએ ઘરખર્ચ માટે નાણાં માંગ્યા, ત્યારે પતિએ આશ્ચર્યજનક શરતો મૂકી હતી. પતિએ જણાવ્યું હતું કે, જો તું ઘરનું ભાડું અને તમામ ઘરખર્ચ ઉઠાવે, તો જ હું તારી સાથે રહીશ. આટલું જ નહીં, પતિએ કોઈ પણ ચર્ચા કર્યા વગર પત્નીને ઈ-મેઈલ અને મેસેજ દ્વારા ડિવોર્સ લેવા માટેની જાણ કરી તેને તરછોડી દીધી હતી.

પોલીસ કાર્યવાહી

સાસરિયાઓના અસહ્ય ત્રાસ અને પતિના જવાબદારી વિહોણા વર્તનથી કંટાળીને 29 વર્ષીય પરિણીતાએ આખરે ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પશ્ચિમ મહિલા પોલીસ દ્વારા પતિ સહિત સાસરિયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે બેંક કર્મી પતિની પૂછપરછ કરવામાં આવશે.


આ પણ વાંચો - Ahmedabad News: ભાડજ તળાવ પાસે બે ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત