અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ નજીક આવેલા ભાડજ તળાવ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બે ટુ-વ્હીલર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ મામલે 'A' ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બે ટુ-વ્હીલર સામસામે અથડાયા

ઘટનાની મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલા ભાડજ તળાવ પાસેથી પસાર થઈ રહેલા બે ટુ-વ્હીલર ચાલકો વચ્ચે અચાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોના ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં એક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રાફિક પોલીસે નોંધ્યો ગુનો

ઘટનાની જાણ થતા જ 'A' ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિના પરિવારજનોને જાણ કરી છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત બાઈક ચાલકની બેદરકારી બદલ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વધતા અકસ્માતો ચિંતાનો વિષય

અમદાવાદ શહેરના રિંગ રોડ અને પરા વિસ્તારોમાં વાહનોની તેજ ગતિ જીવલેણ સાબિત થઈ રહી છે. ભાડજ જેવી વ્યસ્ત જગ્યાએ સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતી સામે સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad News: અલ્પ્રાઝોલમ ટેબલેટ સાથે ઝડપાયા હતા આરોપીઓ, કોર્ટે ફટકારી 9 વર્ષની સજા