અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના તંત્રની ઘોર બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના સરસપુર રખિયાલ વોર્ડ વિસ્તારમાં ગઈકાલે સવારે એક ચાર વર્ષનું બાળક ઘર પાસે રમી રહ્યું હતું, તે દરમિયાન ગટરનું ભારેખમ ઢાંકણ અચાનક બાળક પર પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટરનું આ ઢાંકણ તંત્ર દ્વારા યોગ્ય રીતે બેસાડવામાં આવ્યું ન હતું, જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું છે.
સરસપુરમાં ગમખ્વાર ઘટના
આ ઘટનાને પગલે મૃતક બાળકના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે અને વિસ્તારના લોકોમાં મનપાની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની આ લાપરવાહી સામે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આવી જોખમી ગટરો અને ઢાંકણાઓનું સમારકામ કરવામાં આવતું નથી, જેનો ભોગ હવે નિર્દોષ નાગરિકો અને બાળકો બની રહ્યા છે.













