અમદાવાદમાં ગુનાખોરી આચરીને નાસતા ફરતા તત્વોને પકડવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-3ને મોટી સફળતા મળી છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર ગુનામાં છેલ્લા 9 વર્ષથી પોલીસને હાથતાળી આપી રહેલો આરોપી આખરે ઝડપાઈ ગયો છે.

કૌશિક પટેલની રાજકોટથી થઈ ધરપકડ

LCB ઝોન-3ની ટીમને બાતમી મળી હતી કે, કાલુપુરના છેતરપિંડીના કેસનો વોન્ટેડ આરોપી કૌશિકભાઈ નટવરલાલ પટેલ રાજકોટમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે રાજકોટમાં રેડ કરીને આરોપીને દબોચી લીધો હતો. વર્ષોથી નાસતા ફરતા આ આરોપીને પકડવા માટે પોલીસ અલગ-અલગ કડીઓ જોડી રહી હતી, જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લેવામાં આવી હતી.

વધુ કાર્યવાહી માટે કાલુપુર પોલીસને સોંપાયો

આરોપી કૌશિક પટેલ વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની અનેક કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. 9 વર્ષ બાદ પોલીસના શરણે આવેલા આ આરોપીને પકડ્યા બાદ LCB ઝોન-3 દ્વારા તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ કાયદેસરની વધુ કાર્યવાહી કરવા માટે આરોપીનો કબજો કાલુપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ધરપકડથી વર્ષો જૂના કેસમાં નવો વળાંક આવવાની શક્યતા છે.


આ પણ વાંચો - Ahmedabad: MD ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, આરોપીને પકડવા જતાં PSI પર છરીના ઘા ઝીંક્યા