શહેરને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે દરોડા પાડવા ગઈ હતી, ત્યારે ડ્રગ્સ પેડલરોએ પોલીસ પર હુમલો કરવાની હિંમત કરી છે. ભાટ ગામ વિસ્તારમાં MD ડ્રગ્સની રેડ દરમિયાન એક આરોપીને પકડતા સમયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પર છરી વડે હુમલો કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.


ડ્રગ્સ પેડલરોએ પોલીસ પર હુમલો કર્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ભાટ ગામ પાસે MD ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે જ્યારે ટીમ રેડ કરવા પહોંચી ત્યારે ત્યાં હાજર આરોપીઓએ પોલીસ ટીમનો પ્રતિકાર કર્યો હતો. આ દરમિયાન એક મુખ્ય આરોપીને પકડવા જતાં તેણે પોતાની પાસે રહેલી છરી કાઢી PSI પર હુમલો કરી દીધો હતો.

PSI હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ હુમલામાં PSIને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ પરના આ હુમલા બાદ વધારાની પોલીસ કુમક પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત

હુમલા છતાં ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી આશરે 300 ગ્રામ જેટલું MD ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા મેળવી છે. આ ડ્રગ્સની બજાર કિંમત લાખોમાં હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Local Body Elections 2026: CM ભૂપેન્દ્ર પટેલનો વાવ-થરાદ પ્રવાસ, ભાજપના કાર્યકરો જનતાના સુખ-દુઃખના સાથી

  • Follow us on: