અમદાવાદની જાણીતી એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં પીજી (Post Graduate) વિદ્યાર્થીઓ પર રેગિંગ કરવામાં આવતું હોવાના અહેવાલોએ શૈક્ષણિક જગતમાં ચકચાર મચાવી દીધી છે. આ ગંભીર મુદ્દે કોલેજના ડીને સત્તાવાર ખુલાસો કરતા જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આરોપોની નિષ્પક્ષ તપાસ માટે ત્રણ સભ્યોની એક ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. રેગિંગના આરોપોમાં સંડોવાયેલા ડૉ. તીર્થ પટેલને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને તપાસના અંતે કડક કાર્યવાહીના સંકેતો આપવામાં આવ્યા છે.
વાલીઓને કરાઈ જાણ
બીજી તરફ, ડીને એમ પણ જણાવ્યું હતું કે ફરિયાદ કરનાર 10 વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી કોલેજમાં હાજર રહ્યા નથી, જે અંગે તેમના વાલીઓને પણ જાણ કરવામાં આવી છે. તપાસ કમિટી હવે ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓના વ્યક્તિગત નિવેદનો લેશે અને જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. રેગિંગ જેવી બદીને ડામવા માટે કોલેજ વહીવટી તંત્ર મક્કમ હોવાનું જણાવાયું છે. આગામી દિવસોમાં કમિટીના રિપોર્ટ બાદ આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે.
