અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સરખેજના ભરવાડવાસમાં રહેતી એક 21 વર્ષીય પરિણિતાએ અગમ્ય કારણોસર એસિડ પીને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. યુવાન પરિણિતાના આ પગલાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
3 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન
ઘટનાની મળતી માહિતી અનુસાર, આત્મહત્યા કરનારી પરિણિતાના લગ્ન માત્ર 3 વર્ષ પહેલા જ થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં જ 21 વર્ષની વયે પરિણિતાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આત્મહત્યાનું કારણ અકબંધ
પરિણિતાએ કયા સંજોગોમાં અને કયા કારણોસર એસિડ પીને આત્મહત્યા કરી છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ કૌટુંબિક કલેશનો મામલો છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પરિણિતાના પિયર પક્ષ અને સાસરી પક્ષના સભ્યોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સરખેજ પોલીસની તપાસ
સરખેજ પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 3 વર્ષના ટૂંકા લગ્નગાળામાં પરિણિતાના મોતને પગલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Ahmedabad News : અમદાવાદના વેજલપુરમાં અંગત અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ, ફરિયાદીને પગના ભાગે વાગે ગોળી