અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આજે બપોરે એક કરૂણ ઘટના સામે આવી છે. બોપલ તળાવની બિલકુલ સામે બની રહેલા 'શિવમ ટાવર' નામની બાંધકામ સાઇટ પર કામ કરતી વખતે એક શ્રમિક ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે પટકાયેલા શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જે કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.


ઘટનાની વિગતો

ઘટનાની મળતી માહિતી અનુસાર, બોપલ વિસ્તારમાં આવેલા શિવમ ટાવરના નિર્માણ કાર્ય દરમિયાન શ્રમિક ઊંચાઈ પર કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક સંતુલન બગડતા તે સીધો નીચે પટકાયો હતો. નીચે પટકાતા જ શ્રમિકને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે સાઇટ પર કામ કરતા અન્ય શ્રમિકો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

આ ઘટનાએ બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, સાઇટ પર કામ કરતા શ્રમિકો પાસે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે અન્ય સુરક્ષાના સાધનો ઉપલબ્ધ ન હતા. બાંધકામ સમયે નિયમ મુજબ લગાવવામાં આવતી સેફ્ટી નેટ (જાળી) પણ આ સાઇટ પર હતી કે કેમ તે તપાસનો વિષય છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી શ્રમિકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે, અને બિલ્ડર તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad: બેવડી ઋતુમાં સ્વાસ્થ્ય જોખમાયું, મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો


  • Follow us on: