અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા વાતાવરણ અને મિશ્ર ઋતુને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે.

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા એક સપ્તાહમાં શહેરની હોસ્પિટલોમાં કુલ 14,746 ઓપીડી નોંધાઈ છે. આ આંકડો દર્શાવે છે કે શહેરમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં ડેન્ગ્યુના 68 કેસ નોંધાયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મેલેરિયાના સૌથી વધુ 597 દર્દીઓએ સારવાર લીધી છે.પાણીજન્ય રોગ ટાઇફોઇડના પણ 4 દર્દીઓ ગંભીર હાલતમાં દાખલ થયા છે.વાયરલ ફીવર અને ઇન્ફેક્શનના 60 થી વધુ નવા દર્દીઓ નોંધાયા છે.

મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો

શહેરની સિવિલ અને મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો એટલો વધી ગયો છે કે છેલ્લા એક સપ્તાહમાં 100 થી વધુ દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે. મિશ્ર ઋતુ (સવારે ઠંડી અને બપોરે ગરમી) ને કારણે વાયરસ વધુ સક્રિય થયા છે, જેની સીધી અસર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.

આ પણ વાંચો: Dwarka: ઓખામાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદથી પોલીસ બેડામાં ખળભળાટ