બનાસકાંઠા જિલ્લાના અંબાજી ભાજપ પ્રમુખ સામે વ્યાજખોરી અને ધમકાવવાના ગંભીર આક્ષેપો ઉઠતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. અંબાજીના જ એક સ્થાનિક વેપારી રાજેશ માળીએ પાલનપુર એસપી (SP) કચેરી ખાતે લેખિત રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે. પીડિત વેપારીનો આક્ષેપ છે કે તેમણે ભાજપ પ્રમુખ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જેની મુદ્દલ અને વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં પ્રમુખ દ્વારા વધુ નાણાંની માંગણી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પતાવટ માટે મૂકવામાં આવેલા સોના-ચાંદીના દાગીના પણ પચાવી પાડી પરત ન આપતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.
ધમકી આપી હોવાનો આક્ષેપ
વેપારીએ પોતાની અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, સત્તાના નશામાં ભાજપ પ્રમુખ તેમને અવારનવાર ધમકીઓ આપી રહ્યા છે અને જો વધુ નાણાં નહીં ચૂકવે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે. સતત મળી રહેલી ધમકીઓથી ફફડી ઉઠેલા વેપારીએ અંતે પોલીસનો સહારો લીધો છે. રાજ્ય સરકાર એક તરફ વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે શાસક પક્ષના જ હોદ્દેદાર સામે આવા આક્ષેપો થતા તંત્ર માટે આ કસોટીનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરીને ગુનો નોંધે છે કે કેમ.













