સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશી યુનિવર્સિટીઓ સાથેના કરાર (MOU) મુદ્દે ફરી એકવાર રાજકીય વિવાદ વકર્યો છે. તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ થાઈલેન્ડ અને મલેશિયાની શૈક્ષણિક સંસ્થાઓ સાથે MOU કર્યા હતા. આ મામલે પૂર્વ સિન્ડિકેટ સભ્ય ધરમ કામલિયાએ ઉગ્ર વિરોધ નોંધાવતા કુલપતિની કાર્યપદ્ધતિ અને બુદ્ધિ ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે શૈક્ષણિક આદાન-પ્રદાનના બહાને આ કરારો પાછળના કારણો કઈક અલગ જ હોઈ શકે છે, જેને લઈને શિક્ષણ જગતમાં ચર્ચાઓ તેજ બની છે.


શિક્ષણના નામે અન્ય હેતુના આક્ષેપો

ધરમ કામલિયાએ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, થાઈલેન્ડ જેવા દેશો સાથે વિદ્યાર્થીઓના આદાન-પ્રદાનનો નિર્ણય તર્કહીન છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા ઉમેર્યું કે, થાઈલેન્ડની છબી વિશ્વસ્તરે અલગ પ્રકારની છે, ત્યારે ત્યાંની સંસ્થાઓ સાથે ગુજરાતના વિદ્યાર્થીઓ કેવી રીતે અને કયા પ્રકારનું શૈક્ષણિક આદાન-પ્રદાન કરશે તે મોટો પ્રશ્ન છે. યુનિવર્સિટીના આ નિર્ણયથી તેની ગરિમાને ઠેસ પહોંચી હોવાનો દાવો કરી તેમણે આ MOU રદ કરવાની અથવા તેની સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. હાલ આ મુદ્દે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Rajkot News : એકલવ્ય ચોકમાં શ્રદ્ધા સાથે ચેડાં, મંદિર જતા પહેલા થાય છે કતલખાનાના દર્શન, જાણો ભક્તોએ શું કહ્યું...

  • Follow us on: