અમરેલીમાં સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. બગસરાના માવજીંજવા ગામના વતની પ્રકાશ દાફડા નામના શખ્સે જેતપુરના એક આશાસ્પદ યુવકને પોતાની ઓળખ સેશન્સ જજના પીએ (PA) તરીકે આપી હતી. આ શખ્સે યુવકને સેશન્સ કોર્ટમાં ડ્રાઈવર તરીકેની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી કુલ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વિશ્વાસ જીતવા માટે માત્ર 10 પાસ પ્રકાશ દાફડાએ સેશન્સ જજની બનાવટી સહી કરી, અંગ્રેજીમાં ટાઈપ કરેલો નકલી નિમણૂક પત્ર પધરાવી દઈ યુવક પાસેથી રૂ. 2 લાખ પડાવી લીધા હતા.


ઠગ પ્રકાશ દાફડા ફરાર

જ્યારે યુવકે આ ઓર્ડર સાથે કોર્ટમાં તપાસ કરી ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ન્યાયાધીશની નકલી સહી જોઈને ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. તપાસમાં સામે આવ્યું કે ઠગ પ્રકાશ દાફડાએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ન્યાયિક પ્રક્રિયાના નામે છેતરપિંડી આચરી હતી. આ મામલે હવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે નકલી દસ્તાવેજો કબજે કરી આરોપી પ્રકાશ દાફડાની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી નોકરી માટે વચેટિયાઓ પર વિશ્વાસ મૂકવો જોખમી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Gandhinagar News : વાવોલમાં આચાર્યની ક્રૂરતા, ગાડીનો કાચ તૂટતા વિદ્યાર્થીઓને સ્કેલથી ઢોર માર માર્યો

  • Follow us on: