ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલી એક શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી જતાં તેઓ પિત્તો ગુમાવી બેઠા હતા અને શંકાના આધારે વિદ્યાર્થીઓને સ્કેલ (ફૂટપટ્ટી) વડે ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીઓના શરીર પર મારના સોળ અને નિશાન પડી જતાં વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓ જ્યારે શાળાએ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અન્ય શિક્ષિકાઓએ એવો બચાવ કર્યો હતો કે "છોકરાઓ બહુ મસ્તી કરે છે", જેનાથી વાલીઓનો આક્રોશ વધુ વધ્યો હતો.

શિક્ષણધામમાં રૌદ્ર સ્વરૂપ

બીજી તરફ, આ ઘટના બાદ આચાર્ય પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અચાનક રજા પર ઉતરી ગયા છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળા પ્રશાસન આચાર્યને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેઓ "પ્રિન્સિપાલ આજે બીમાર થઈ ગયા છે" તેવું રટણ કરી રહ્યા છે. આટલું જ નહીં, વાલીઓએ જ્યારે આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમનું સરનામું માંગ્યું, ત્યારે શાળા દ્વારા સરનામું આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. હાલમાં આ મુદ્દો સમગ્ર ગાંધીનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વાલીઓ ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.