અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટા મુંજીયાસર ગામે રહેતા એક પરિવારની અંદરની કલહ ભયાનક પરિણામે પહોંચી છે. મૃતક રમણભાઈ વાલકાભાઈ કટારા, ઉંમર 46 વર્ષ, ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની શરૂઆત ચા બનાવવા જેવી સામાન્ય બાબતથી થઈ હતી. રમણભાઈ પોતાની પત્ની સીતાબેનને ચા બનાવવા દેતા ન હતા અને આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ઘા મારી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી
આ બોલાચાલીથી ગુસ્સે ભરાયેલી સીતાબેન વાડીએ કામ કરી રહેલા પોતાના પુત્ર સુરેશ મછાર પાસે ગઈ અને રમણભાઈને માર મારવા ઉશ્કેર્યો. માતાના કહેવાથી ઉગ્ર બનેલો સુરેશ ઘરે આવ્યો અને “આજે તો તને મારી નાખીશ” એમ કહી સાવકા પિતા રમણભાઈ પર લાકડાના ફટકાથી હુમલો શરૂ કર્યો. જ્યારે રમણભાઈની પુત્રી અસ્મિતાબેને વચ્ચે પડી પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી સુરેશે તેના પર પણ લાકડાનો ઘા મારી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
સિમેન્ટનો ચૂલો ઊંચકી પિતાના માથા પર માર્યો
ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે સુરેશે હદ વટાવી સિમેન્ટનો ચૂલો ઊંચકીને રમણભાઈના માથા પર જોરદાર પ્રહાર કર્યો. માથામાં ગંભીર ઇજાઓ થતાં રમણભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું.ઘટનાની જાણ થતા જ બગસરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો.જ્યારે ઝઘડામાં ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
બગસરા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો
મૃતક રમણભાઈની પુત્રી અસ્મિતાબેનની ફરિયાદના આધારે બગસરા પોલીસે મુખ્ય આરોપી સુરેશ મછાર અને તેની માતા સીતાબેન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ હત્યા અને મદદગારીની કલમો મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા ઘટનામાં વપરાયેલા લાકડા અને સિમેન્ટના ચૂલાને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નાની બાબતથી શરૂ થયેલો ઝઘડો એક પરિવાર માટે વિનાશ સાબિત થયો બગસરા પોલીસે બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો : પોલીસ પંચાત : PIની બદલીઓના રાઉન્ડને લઈ પોલીસ બેડામાં ઉત્સુક્તા જામી, કઈ વગદાર એજન્સીના પત્તા નવેસરથી ચિપાશે ? વાંચો Inside Story