અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાતા રહી ગયો હતો. એક સમાજની વાડીમાં આયોજિત લગ્ન પ્રસંગમાં કારના કાચ તોડવા જેવી નજીવી બાબતે સ્થાનિકો અને આયોજકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે પથ્થરમારો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને પગલે લગ્ન પ્રસંગમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

શું હતી સમગ્ર બબાલ?

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી શહેરના જેસીંગપરામાં આવેલી એક વાડીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન વાડીની બહાર પાર્ક કરેલી કારના કાચ તોડવા જેવી બાબતે સ્થાનિક લોકો અને લગ્ન પ્રસંગના આયોજકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોતજોતામાં આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. લગ્નનું મંગલ વાતાવરણ ભય અને તણાવમાં ફેરવાઈ ગયું હતું અને મહેમાનોમાં નાસભાગ મચી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

ઘટનાની જાણ થતા જ અમરેલી સિટી પોલીસનો કાફલો તાત્કાલિક જેસીંગપરા પહોંચી ગયો હતો. પોલીસે ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડી મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. પોલીસની કડક હાજરીને પગલે પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. હાલમાં આ મામલે પોલીસે બંને પક્ષોની પૂછપરછ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. અમરેલી શહેરમાં લગ્ન પ્રસંગોમાં થતી આવી હિંસક ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે તોફાની તત્વોની ઓળખ કરી રહી છે.


આ પણ વાંચો - Amreli સિવિલ હોસ્પિટલમાં બોટાદની મહિલાનું સારવાર દરમિયાન મોત