આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ મથકની હદમાં આવતા બાકરોલ રોડ પર અસામાજિક તત્ત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શનિવારની મોડી રાત્રે બાકરોલના ખોડિયાર નગર વિસ્તારમાં એક યુવકે જાહેરમાં તલવાર લહેરાવી ભારે આતંક મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસને ખુલ્લો પડકાર

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ અસામાજિક તત્વોમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ જ ડર રહ્યો હોય તેમ જણાતું નથી. એક માથાભારે યુવકે જાહેર રસ્તા પર ખુલ્લી તલવાર સાથે ધમાલ મચાવી હતી અને ત્યાં પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ યુવક જાહેરમાં પોલીસને પડકાર ફેંકી રહ્યો હતો, જે વિદ્યાનગર પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે.

રહેણાંક વિસ્તારમાં ભયનું વાતાવરણ

રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે મહિલાઓ અને બાળકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અવારનવાર બનતી આવી ઘટનાઓને કારણે લોકો હવે સુરક્ષાને લઈને ચિંતિત છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, વિદ્યાનગર પોલીસની ઢીલી કામગીરીને કારણે જ આવા તત્ત્વો બેફામ બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પોલીસ આ લુખ્ખા તત્ત્વો સામે ઘૂંટણીય જોવા મળી છે, આવા લોકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી.


https://x.com/sandeshnews/status/2027999040433250481


પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ

વિદ્યાનગર પોલીસ મથકના વિસ્તારમાં અવારનવાર અસામાજિક પ્રવૃત્તિઓ માથું ઊંચકી રહી છે. શું પોલીસ આ મામલે કડક પગલાં ભરશે કે પછી ગુનેગારો આમ જ બેફામ ફરતા રહેશે? હાલમાં તો આ ઘટનાને પગલે સ્થાનિકોએ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.


આ પણ વાંચો - Anand: શહેરની મુખ્ય પોસ્ટ ઓફ્સિમાં જિલ્લા પોલીસ દ્વારા સઘન તપાસ