બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં મસમોટા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ત્રાટકીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીસા તાલુકાના ઝાબડીયા ગામે ધમધમી રહેલા જુગારધામ અંગે SMC ને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે અચાનક રેડ કરીને જુગાર રમી રહેલા તત્વોમાં ભારે ભાગદોડ મચાવી દીધી હતી.
રેડ દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
SMC ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝાબડીયા ગામના આ જુગારધામ પરથી રેડ દરમિયાન રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMC ની ટીમે સ્થળ પરથી અનેક જુગારીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ
આ સમગ્ર મામલે SMC ની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલ અને અટકાયત કરવામાં આવેલા આરોપીઓ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે ડીસા રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અને જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક પોલીસની કામગીરી અને નિષ્ક્રિયતા પર ઉઠ્યા સવાલો
ડીસા રૂરલ પોલીસ મથકની હદમાં જ લાંબા સમયથી આટલું મોટું જુગારધામ ચાલી રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી કે, પછી આંખ આડા કાન કરતી હતી, તેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. ગાંધીનગરથી SMC ની ટીમે આવીને સફળ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી અને નિષ્ક્રિયતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો - Banaskantha માં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, ચાંગા ગામે 3 વર્ષના બાળકનું મોત થતાં ભયનો માહોલ...