બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં રીંછની પજવણી કરવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે કેટલાક શખ્સો પોતાના વાહનની હેડલાઇટ ચાલુ રાખીને રાત્રિના અંધકારમાં રીંછનો પીછો કરી રહ્યા હતા અને તેને સતત પજવી રહ્યા હતા. વન્ય પ્રાણી ભયભીત થઈને ભાગતું હોવા છતાં આ શખ્સોએ મનોરંજન માટે તેની પાછળ ગાડી દોડાવી હતી. આ વીડિયો વન વિભાગના ધ્યાન પર આવતા જ ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પર્યાવરણ પ્રેમીઓમાં રોષ
વન વિભાગે ટેકનિકલ સર્વેલન્સ અને વીડિયોના આધારે પજવણી કરનારા બે શખ્સોની ઓળખ કરી તેમની અટકાયત કરી લીધી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ આ પ્રકારની પજવણી એ ગંભીર ગુનો બને છે, જેના અંતર્ગત આ બંને વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણીઓ સાથે આ પ્રકારનું વર્તન ન કરવું, અન્યથા જેલની હવા ખાવાનો વારો આવી શકે છે. આ કાર્યવાહીથી વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
