અમદાવાદ શહેરમાં ડિસેમ્બર મહિના દરમિયાન પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર, માત્ર ડિસેમ્બર મહિનામાં જ ટાઈફોઈડના 180, ઝાડા-ઉલટીના 239 અને કમળાના 149 કેસ નોંધાયા છે. શહેરના સરસપુર, રખિયાલ, બાપુનગર, દાણીલીમડા અને ખાડિયા જેવા 26 વિસ્તારોમાં પાણીની પાઈપલાઈન લીકેજની ગંભીર સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે પીવાના પાણીમાં પ્રદૂષણ ભળવાની શક્યતા વધી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અત્યાર સુધીમાં 6 હજાર જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને 40 હજાર જેટલા ક્લોરિન ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે.
તંત્ર હરકતમાં
રોગચાળાને ફેલાતો અટકાવવા માટે AMC દ્વારા બહેરામપુરા વિસ્તારમાં પાણીપુરી બનાવતા એકમો પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન આરોગ્ય વિભાગે 300 લીટર અખાદ્ય પાણી અને 400 કિલો જેટલા સડેલા બટેકાના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત, શંકાસ્પદ ખાદ્યપદાર્થોના 5 જેટલા સેમ્પલ પણ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મધ્ય અને પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો ઉઠતા મનપા દ્વારા ડોર-ટુ-ડોર સર્વે અને ક્લોરિનની ગોળીઓના વિતરણની કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે.
